નેપાળમાં જળપ્રલય વચ્ચે સરકારની ગુલાંટ: વિદેશી મદદ લેવાનો ઈનકાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય સહાય માંગી
-
શરૂઆતમાં સ્થાનિક દળોને પ્રાથમિકતા આપ્યા બાદ આપત્તિની ભયાનકતા વધતાં નિર્ણય બદલ્યો
-
વડાપ્રધાન બાલેન શાહ અને વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી- મિત્ર દેશોની મદદ લેવાની ક્યારેય ના પાડી નથી
-
ભારતીય વાયુસેનાના વિમાનો મારફતે 57.5 ટનથી વધુ રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડાઈ
સિટી ન્યુઝ @ કાઠમંડુ
વિનાશક જળપ્રલય અને ફ્લેશ ફ્લડની ભયાનક હોનારતનો સામનો કરી રહેલા પડોશી દેશ નેપાળે વિદેશી મદદ સ્વીકારવા અંગેના પોતાના અગાઉના વલણમાં મોટો યુ-ટર્ન લીધો છે. પ્રારંભિક તબક્કે વિદેશી બચાવ ટુકડીઓની સહાય નકાર્યા બાદ વૈશ્વિક દબાણ અને સંકટની ગંભીરતા વધતાં નેપાળે હવે ભારત અને ચીન સહિતના મિત્ર દેશો પાસે વિશેષ ટેકનિકલ સહાય માંગી છે. વડાપ્રધાન બાલેન શાહ અને વિદેશ મંત્રી શિશિર ખનાલે સ્પષ્ટતા કરી છે કે નેપાળે મિત્ર દેશોની મદદ લેવાની ક્યારેય સંપૂર્ણ ના પાડી નહોતી. શનિવાર સુધીમાં આ હોનારતમાં 587 થી વધુ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 1,900 થી વધુ લોકો હજુ પણ ટનલો અને કાટમાળ નીચે લાપતા છે.
સરકારે અગાઉ સ્થાનિક 15,000 થી વધુ જવાનોને પ્રાથમિકતા આપવાનું કારણ દર્શાવતાં જણાવ્યું હતું કે દુર્ગમ પહાડી વિસ્તારોની ભૌગોલિક સ્થિતિથી સ્થાનિક સેના વધુ વાકેફ હતી. જોકે, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની અંધારી ટનલોમાં ફસાયેલા સેંકડો લોકોના રેસ્ક્યૂ, મૃતદેહોના DNA ટેસ્ટિંગ તેમજ ફોરેન્સિક એનાલિસિસ જેવા અતિ જટિલ કાર્યો માટે આધુનિક ટેકનિકલ કુશળતા અનિવાર્ય બનતાં નેપાળે આંતરરાષ્ટ્રીય સહાય સ્વીકારવાની તૈયારી દર્શાવી છે.
પૂરના પ્રચંડ પ્રવાહમાં રસુવા અને નુવાકોટ જિલ્લાના ત્રણ ડઝનથી વધુ પાકા પુલો ધોવાઈ જતાં અંતરિયાળ વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. આ માર્ગો તાત્કાલિક જોડવા માટે નેપાળે ભારત અને ચીન પાસે 42 'બેલી બ્રિજ' (ઝડપથી તૈયાર થતા મોડ્યુલર પુલ) બાંધવા તાકીદની વિનંતી કરી છે.
નેપાળની માંગણી સામે ભારતે હંમેશ મુજબ ઉદારતા દર્શાવીને તાત્કાલિક સહાયનો મોરચો સંભાળી લીધો છે. ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનો મારફતે ત્રણ ખેપમાં 57.5 ટનથી વધુ જીવનજરૂરી રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડવામાં આવી છે. આ ઉપરાંત ટનલ રેસ્ક્યૂ નિષ્ણાતો, 11 સભ્યોની ઇમરજન્સી મેડિકલ ટીમ અને બેલી બ્રિજ નિર્માણ માટેની વિશિષ્ટ એન્જિનિયરિંગ ટીમો પણ ભારતે તાબડતોબ કામે લગાડી છે.
નેપાળ પૂર: ભારતે મોકલી 57.5 ટન રાહત
પૂર હોનારતમાં 587 ના મોત અને 1,900 લોકો ગુમ થયા બાદ નેપાળે વિદેશી મદદ અંગેનું વલણ બદલીને ટનલ રેસ્ક્યૂ અને બ્રિજ નિર્માણ માટે ભારત પાસે મદદ માંગી છે. ભારતે ત્વરિત મોટું મન દાખવીને 57.5 ટન રાહત સામગ્રી, મેડિકલ સ્ટાફ અને 42 બેલી બ્રિજ બનાવવામાં સહાય માટે સ્પેશિયલ ટીમો રવાના કરી દીધી છે.