પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ
-
પીટીઆઈ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો
-
પીટીઆઈ નેતા શકીલ અહેમદને પણ નિશાન બનાવ્યા
-
વિરોધમાં કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ અને પ્રદર્શન
સિટી ન્યુઝ @ પેશાવર
પાકિસ્તાનમાં ક્યારે શું થઈ જાય તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. આજે એવી જ એક ઘટના બની છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધારીઓએ અપહરણ કર્યું છે. હુમલાખોરોએ મંત્રીની ગાડીના ટાયરો પર ગોળીઓ ચલાવી તેમને બંદૂકની અણીએ અજાણ્યા સ્થળે લઈ ગયા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને પીટીઆઈ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં AK-47 સાથેના નકાબધારીઓ રસ્તો રોકતા નજરે પડે છે. જોકે, આ અપહરણ પાછળ કયા સંગઠન કે જૂથનો હાથ છે અને તેમની શું માંગ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
મંત્રી ફઝલ શકુર ખાનના અપહરણ ઉપરાંત પીટીઆઈના નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. મલાકંદમાં શકીલ અહેમદને અપહરણ કરવાનો પ્રયાસ થયાના અહેવાલ બાદ પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પીટીઆઈ કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સળગાવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાને આ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર સીધો હુમલો ગણાવ્યો છે.
પીટીઆઈના વરિષ્ઠ નેતાઓએ ઘટનાની જવાબદારીની માંગ કરી છે અને તંત્રને ચેતવણી આપી છે કે જો આ પરિસ્થિતિ નહીં અટકે તો સમગ્ર પ્રાંતમાં વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર કરવામાં આવશે. પ્રશાસન દ્વારા અપહૃત મંત્રીને હેમખેમ છોડાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં મંત્રીના અપહરણથી સનસનાટી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં હથિયારબંધ નકાબધારીઓએ ધોળા દિવસે મંત્રી ફઝલ શકુર ખાનનું અપહરણ કરી લેતા રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં હચમચ મચી ગયો છે, જેના પગલે પીટીઆઈ સમર્થકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે.