Loading Please Wait !!!
ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી અબજો ટન બરફ ગાયબ

 

  • 1979 પછી બરફ પીગળવાની ગતિ અતિશય વધી

  • તટીય વિસ્તારોમાં લાખો લોકો સામે પૂરનું જોખમ

  • ગ્રીનલેન્ડનું જેકબશેવન ગ્લેશિયર રોજ 50 મીટર પીગળે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 1979 પછી ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી આશરે 12.5 ટ્રિલિયન ટન બરફ પીગળ્યો છે. આને કારણે સમુદ્રનું જળસ્તર 3.1 સેન્ટિમીટર વધ્યું છે, જે તટીય વિસ્તારોમાં લાખો લોકો માટે પૂરનું જોખમ ઊભું કરી શકે છે. વૈશ્વિક તાપમાન વધવાને કારણે બરફ પીગળવાની ગતિ ઝડપી બની છે, જે ગંભીર ચિંતાનો વિષય છે અને આ માત્રા એટલી વિશાળ છે કે સમગ્ર અમેરિકાને દોઢ મીટર બરફથી ઢાંકી શકાય.

એક મહત્ત્વના વિજ્ઞાની અભ્યાસ મુજબ બરફના 5 થી 6 ટકાનું નુકસાન પ્રત્યક્ષ રીતે ગરમ હવા સાથે નહીં પણ સમુદ્રના ગરમ પાણી સાથે સંકળાયેલું છે, જે બરફની ચાદરોને નીચેથી અને કિનારાથી કાપી રહ્યું છે. સાયન્ટિફિક ડેટામાં પ્રકાશિત આ અભ્યાસથી જાણકારી મળી છે કે તાજેતરના દાયકાઓમાં બરફની ચાદરો પીગળવાની ગતિ ઘણી ઝડપી બની છે. જ્યારે 1970, 1980 અને 1990ના દાયકાની શરૂઆત સુધી બરફની ચાદરો ઘણી હદે સ્થિર હતી પણ 2000 અને ખાસ કરીને 2010ના દાયકામાં તેના પીગળવાની ગતિ તીવ્ર બની ગઈ.

સંશોધનકર્તાઓએ ચેતવણી આપી છે કે આ બદલાવ અનેક દાયકા સુધી જારી રહી શકે છે, કારણ કે ગરમ થતા મોસમ સામે બરફની ચાદરોની પ્રતિક્રિયા ધીમી હોય છે, પછી ભલે વૈશ્વિક તાપમાન આખરે સ્થિર થઈ જાય. તટીય વિસ્તારોમાં રહેતા લોકો પર આના પરિણામ અગાઉથી જ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. વિજ્ઞાનીઓનું અનુમાન છે કે સમુદ્રના જળસ્તરમાં પ્રત્યેક 1 સેન્ટીમીટર વધારાથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર 20 થી 30 લાખ વધુ લોકો સામે પૂરનું જોખમ સર્જાય છે.

વિશ્વના સૌથી ઝડપે પીગળતા ગ્લેશિયર પૈકી એક ગ્રીનલેન્ડનું જેકબશેવન ગ્લેશિયર હવે દરરોજ 50 મીટર જેટલું પીગળે છે. 2020 અને 2023 વચ્ચે બરફના નુકસાનમાં થોડો વિરામ મોટાભાગે હંગામી મોસમી સ્થિતિને કારણે થયો હતો. આ સંશોધનમાં 45 સ્વતંત્ર સરવે અને 27 સેટેલાઈટના ડેટાનું સંયોજન કરાયું હતું અને બરફની ચાદરોમાં થયેલા ફેરફારનો લાંબો રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

વિજ્ઞાનીઓ ખાસ કરીને ઝડપથી પીગળતા ગ્લેશિયરો બાબતે ચિંતિત છે, જેમાં ગ્લેશિયર ઝડપથી સમુદ્રમાં બરફ ઠાલવે છે, જેનાથી અસ્થિરતા તેમજ ટિપિંગ પોઈન્ટ સર્જાય છે. જો કે હિમવર્ષાથી એન્ટાર્ટિકનું કેટલુંક નુકસાન સરભર થાય છે, પણ સંશોધકોના મતે લાંબા ગાળાનો ટ્રેન્ડ સ્પષ્ટ છે, જેમાં વિશ્વભરના તટીય વિસ્તારો પર જોખમ સતત વધતું જણાઈ રહ્યું છે.

બરફ પીગળવાની ગતિ અને વૈશ્વિક જોખમ

ગ્રીનલેન્ડ અને એન્ટાર્કટિકામાંથી સતત પીગળી રહેલા અબજો ટન બરફને કારણે સમુદ્રનું સ્તર ઊંચું આવી રહ્યું છે, જે ભવિષ્યમાં દરિયાકાંઠાના શહેરો અને વસ્તી માટે ગંભીર કુદરતી આપત્તિનું મોટું જોખમ પેદા કરી રહ્યું છે.