Loading Please Wait !!!
લોકેશન ડેટા નિયમોના ભંગ બદલ ગૂગલને દંડ

 

  • 403 મિલિયન યુરોનો તોતિંગ દંડ ફટકારાયો

  • વેબ અને એપ એક્ટિવિટીમાં ડેટા પ્રક્રિયા અયોગ્ય ઠરી

  • લોકેશન હિસ્ટ્રી અને પ્રાઈવસીના નિયમોનું ઉલ્લંઘન

સિટી ન્યુઝ @ ડબલિન 

ડબલિનમાં EUના કડક પ્રાઈવસી નિયમોના ભંગ બદલ ટેક જાયન્ટ ગૂગલને 403 મિલિયન યુરો (લગભગ 4,432 કરોડ રૂપિયા અથવા 463 મિલિયન ડોલર)નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનના ડેટા પ્રાઈવસી વૉચડોગ દ્વારા સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, ગૂગલે યૂઝર્સના બ્રાઉઝિંગ અને સર્ચ હિસ્ટ્રી કરતી 'વેબ એન્ડ એપ એક્ટિવિટી' અને યૂઝર્સના મુલાકાત લીધેલા સ્થળોની નોંધ લેતી 'લોકેશન હિસ્ટ્રી'માં ડેટાની પ્રક્રિયા કાયદેસર કે યોગ્ય રીતે કરી ન હતી.

આયર્લેન્ડની ડેટા પ્રોટેક્શન કમિશને આ તપાસ લગભગ 6 વર્ષ પહેલાં શરૂ કરી હતી, જેમાં વર્ષ 2018 થી ફેબ્રૂઆરી 2020 સુધીના સમયગાળા દરમિયાન યુરોપીયન યુનિયનના જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશનના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના 'લોકેશન એક્યુરસી' ફીચરમાં પણ પર્સનલ ડેટા પ્રોસેસ કરતી વખતે કંપની પારદર્શક રહેવામાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. આયર્લેન્ડમાં ગૂગલનું યુરોપિયન હેડક્વાર્ટર આવેલું હોવાથી, આયર્લેન્ડ આ કેસમાં મુખ્ય નિયમનકાર તરીકે કામ કરી રહ્યું છે.

નીયમનકારોના જણાવ્યા મુજબ, લોકેશન ડેટા એ અત્યંત સંવેદનશીલ પર્સનલ ડેટા છે, જે યૂઝર્સને ઓનલાઈન સેવાઓમાં ફાયદો કરાવવા સાથે તેમની અંગત માહિતી પણ ઉજાગર કરી શકે છે. આયર્લેન્ડના વાચડોગ દ્વારા EU પ્રાઈવસી નિયમો હેઠળ ફટકારવામાં આવેલો આ ચોથો સૌથી મોટો દંડ છે. અગાઉ મેટા અને ટિકટોક જેવી કંપનીઓ પર આનાથી પણ મોટા દંડ લાદવામાં આવ્યા છે, જેમાં મેટા સામેના 1.2 અબજ યુરોના દંડનો પણ સમાવેશ થાય છે.

આ મામલે નિવેદન આપતા ગૂગલે જણાવ્યું હતું કે, આ કેસ ભૂતકાળની નીતિઓ સાથે સંબંધિત છે, જેમાં હવે જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. વર્ષ 2019 થી અમે અમારી પદ્ધતિઓમાં નોંધપાત્ર બદલાવ કર્યો છે અને લોકેશન ડેટા મેનેજમેન્ટને સરળ બનાવતા મજબૂત ટૂલ્સ રજૂ કર્યા છે. કંપનીએ કાયદાકીય પાલન માટે ભવિષ્યમાં વધુ સતર્ક રહેવાની ખાતરી પણ આપી છે.

હાલમાં નિયમનકાર દ્વારા ગૂગલ સામે અન્ય ત્રણ અલગ-અલગ પ્રાઈવસી તપાસ પણ ચાલી રહી છે, જે આગામી સમયમાં ટેક જાયન્ટ્સ માટે ડેટા સુરક્ષાના મામલે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. વૈશ્વિક સ્તરે ડેટા પ્રાઈવસી અને યૂઝર્સના અધિકારોના રક્ષણ માટે નિયમનકારી સંસ્થાઓ હવે વધુ આક્રમક બધી રહી છે.

પ્રાઈવસી નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી

યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલ પર કરાયેલી આ મોટી દંડાત્મક કાર્યવાહી ટેક કંપનીઓ માટે ડેટા સુરક્ષા અને પારદર્શિતા જાળવવાની અનિવાર્યતાને સ્પષ્ટપણે રેખાંકિત કરે છે.