Loading Please Wait !!!
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે: જેમી ડિમોન

 

  • મુંબઈમાં આયોજિત કોન્ફરન્સમાં જેમી ડિમોનનું નિવેદન

  • ભારતીય રિફાઇનરીઓની ટેકનિકલ જરૂરિયાતો સમજાવી

  • વૈશ્વિક ઓઇલ બજારમાં ભાવ વધારાનું જોખમ સર્જાશે

સિટી ન્યુઝ @ મુંબઈ 

જેપી મોર્ગનના ચેરમેન જેમી ડિમોને અમેરિકાને ભારત પર રશિયન તેલ માટે ટૅરિફ લગાવવા સામે ગંભીર ચેતવણી આપી છે. મુંબઈમાં આયોજિત જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે, આવા પગલાંથી ભારત અને વૈશ્વિક ક્રૂડ બજાર પર ભારે નુકસાનકારક અસર થશે. અમેરિકામાં રશિયન ઓઇલ આયાત મુદ્દે ભારત પર 100 ટકા સુધીના ટૅરિફ લગાવવાના બિલ પર ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ વૈશ્વિક નાણાકીય દિગ્ગજનું નિવેદન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

જેમી ડિમોને આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું ટેકનિકલ ગણિત સમજાવતાં જણાવ્યું કે આ મુદ્દો માત્ર ભારત દ્વારા સસ્તું ઓઇલ ખરીદવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિવિધ પ્રકારના ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા મુજબ ખાસ ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. જો ભારત રશિયા પાસેથી આ ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે, તો તેણે જરૂરિયાત પૂરી કરવા બીજે ક્યાંકથી ક્રૂડ ખરીદવું પડશે, પરંતુ બજારમાંથી મળનારું અન્ય ઓઇલ ભારતીય રિફાઇનરીઓ માટે એ જ રીતે અનુકૂળ હોય તે જરૂરી નથી.

તેમણે ગ્લોબલ સપ્લાય ચેઇનના ગણિતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે જો ભારત રશિયન ક્રૂડ નહીં ખરીદે, તો તે ઓઇલ અન્ય માર્કેટમાં ડાયવર્ટ થઈ જશે જ્યારે ભારતને વૈશ્વિક બજારમાંથી મોટા પાયે ઓઇલ ખરીદવું પડશે. પરિણામે વૈશ્વિક બજારમાં માંગનું ભારે દબાણ ઊભું થશે અને ઓઇલના વૈશ્વિક ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવી જશે, જે આખરે સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે નવું મોટું સંકટ બનશે.

જેમી ડિમોને સ્પષ્ટ કર્યું કે તેમનો ઇરાદો રશિયા સામે પગલાં ન લેવાનો નથી અને અમેરિકાએ યુક્રેનની મદદ માટે વધુ સક્રિય કદમ ઉઠાવવા જોઈએ, પરંતુ રશિયાને દબાવવાની લહાયમાં ભારતની વિશાળ રિફાઇનિંગ ઇન્ડસ્ટ્રી અને ગ્લોબલ એનર્જી માર્કેટને આંચકો ન લાગવો જોઈએ. તેમણે સલાહ આપી કે અમેરિકાએ ભારત સાથે બેસીને વિચારવિમર્શ કરવો જોઈએ કે પ્રતિબંધો કે ટૅરિફ ક્યાં અને કેવી રીતે લાગુ કરવા જોઈએ જેથી કોઈ પક્ષને નુકસાન ન થાય.

અંતમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચે અટકેલા દ્વિપક્ષીય વેપાર કરાર પર પણ બંને દેશોની સરકારોને મંત્રણા ઝડપથી આગળ ધપાવવા ભારપૂર્વક અપીલ કરી હતી. વેપાર-વાણિજ્ય અને મૂડીરોકાણના વિકાસ માટે કાયદાકીય સ્થિરતા અત્યંત અનિવાર્ય છે, અને આ બંને દેશોના આર્થિક હિતમાં પણ શ્રેષ્ઠ સાબિત થશે.

વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજાર પર ટૅરિફની અસરો

રશિયન ઓઇલ આયાત અને ટૅરિફના મુદ્દે જેમી ડિમોને સ્પષ્ટ કર્યું છે કે એકતરફી પ્રતિબંધો કે દબાણથી વૈશ્વિક ઊર્જા બજારનું સંતુલન બગડી શકે છે, જેનાથી ભારત સહિતના તમામ દેશોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી શકે છે.