Loading Please Wait !!!
PM મોદી આવતીકાલે ગુજરાતમાં: સાણંદમાં 'ચિપ' ક્રાંતિ અને ગાંધીનગરમાં જૈન વિરાસતનો ભવ્ય સંગમ

  • 6,000 કરોડના વિકાસકાર્યોની ભેટ - સાણંદના કેન્સ પ્લાન્ટમાં દરરોજ બનશે 60 લાખ સેમિકન્ડક્ટર ચિપ્સ
  • કોબા તીર્થમાં 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' ની મુલાકાત - 5મી સદીની મૂર્તિઓ અને અકબરના ફરમાનના થશે દર્શન
  • અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ખુલ્લો મુકાશે - રેલવે અને શહેરી વિકાસના ₹5,295 કરોડના કામોનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચ 2026ના રોજ પોતાના માદરે વતન ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસમાં પીએમ મોદી ટેકનોલોજી, આધ્યાત્મિકતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ત્રિવેણી સંગમ સમાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સાણંદમાં ભારતની નવી ઓળખ: કેન્સ સેમિકોન પ્લાન્ટ ભારતને ચિપ ઉત્પાદનમાં સ્વનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે સાણંદમાં ₹3300 કરોડના ખર્ચે તૈયાર થયેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશ માટે ગૌરવ સમાન છે. માઇક્રોન બાદ સાણંદમાં આ બીજો મોટો પ્લાન્ટ છે. અહીં OSAT સુવિધા હેઠળ ચિપ્સનું ટેસ્ટિંગ અને પેકેજિંગ થશે. પીએમ મોદીએ અગાઉ નોંધ્યું હતું તેમ, ભારતે માત્ર 900 દિવસમાં આ સેમિકન્ડક્ટર મિશનને ગતિ આપીને વિશ્વને ચોંકાવી દીધું છે.

કોબામાં જૈન વિરાસતનું દર્શન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે નિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ' જૈન સંસ્કૃતિ અને ઇતિહાસનો અદભૂત દસ્તાવેજ છે. 7 અલગ-અલગ ગેલેરીમાં 5મી સદીની મૂર્તિઓ, 8મી સદીના સિક્કાઓ અને ખાસ કરીને મુઘલ સમ્રાટ અકબર દ્વારા જૈન આચાર્યને અપાયેલું ઐતિહાસિક 'અસલ ફરમાન' પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ ડિજિટલ આધ્યાત્મિકતાનું કેન્દ્ર બનશે.

ડીસામાં જાહેરસભા અને રેલવે પ્રોજેક્ટ્સ પ્રવાસના અંતિમ તબક્કે પીએમ મોદી બનાસકાંઠાના ડીસા (લખણી) ખાતે વિશાળ જાહેરસભાને સંબોધશે. અહીંથી તેઓ હિંમતનગર-ખેડબ્રહ્મા નવી રેલવે લાઇનનું લોકાર્પણ કરશે. આ સાથે અમદાવાદ શહેરમાં આવાસ અને ડ્રેનેજ જેવા ₹4,640 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. વડનગર હેરિટેજ ટાઉન અને રોડ બ્યુટીફિકેશનના કામો પણ જનતાને અર્પણ કરાશે.

વડાપ્રધાનના પ્રવાસને પગલે સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.