ગુજરાત બનશે દુનિયાનું 'ચિપ હબ': પીએમ મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન!
- દરરોજ 60 લાખ ચિપ્સનું થશે ઉત્પાદન - 'જડ સે જુડના અને જગત સે જુડના' ના મંત્ર સાથે ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ
- અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે ખુલ્લો મુકાયો - હવે માત્ર 45 મિનિટમાં પહોંચાશે ધોલેરા અને પોણા બે કલાકમાં ભાવનગર
- ગાંધીનગરમાં 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લોકાર્પણ કર્યા બાદ સાણંદ પહોંચ્યા વડાપ્રધાન - આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના લીધા આશીર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની ધરતી પરથી ભારતની આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિરાસતનો અનોખો સંગમ રચ્યો છે. મહાવીર જયંતીના અવસરે ગાંધીનગરના કોબા ખાતે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદી સીધા સાણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેઇન્સ સેમિકોનના અત્યાધુનિક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે જ ગુજરાત હવે વિશ્વના નકશા પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી આવ્યું છે.
સાણંદમાં ટેકનોલોજીનો સૂર્યોદય કેઇન્સ સેમિકોનના આ નવા પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થશે. સાણંદમાં હવે માઈક્રોન અને કેઇન્સ મળીને રોજની 70 લાખ ચિપ્સ બનાવશે, જે ભારતની ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે, "જડ સે જુડના (મ્યુઝિયમ) અને જગત સે જુડના (સેમિકન્ડક્ટર) એ ગુજરાતની ધરતીની વિશેષતા છે."
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેનું લોકાર્પણ મુસાફરો માટે સૌથી મોટા સમાચાર અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વેના લોકાર્પણના છે. હવે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં પહોંચી શકાશે. આ હાઈવેના કારણે ભાવનગરનું અંતર પણ ઘટીને માત્ર 1 કલાક 45 મિનિટ થઈ જશે, જે સૌરાષ્ટ્ર અને અમદાવાદ વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ગતિ આપશે.
આચાર્યશ્રીના આશીર્વાદ અને સાદગી કોબા ખાતે રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીએ પીએમ મોદીની સાદગીના વખાણ કરતા તેમને 'અડધા સાધુ અને અડધા ગૃહસ્થ' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદીજી વ્યસ્ત હોવા છતાં ધર્મ અને સંસ્કૃતિને ભૂલ્યા નથી. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.