નિલેશ રૈયાણી હત્યા કેસમાં જયરાજસિંહ કોર્ટની શરતોને ભંગ કરતા હોવાનો આક્ષેપ
- જયરાજસિંહ જાડેજા પોલીસને હી કરવા ઘરે બોલાવતા !
- ફરિયાદી જગદીશ સાટોડિયાએ રાજ્યના કાયદા વિભાગ, સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટમાં અરજી કરી
- 3 મહિના સુધીના પોલીસ સ્ટેશનના CCTV રિઝર્વ કરાવવા રેન્જ IGને કરી અરજી
- જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહી સહી કરવાની શરતનું યોગ્ય પાલન નથી કર્યુ : જગદીશ સાટોડિયા
સિટી ન્યૂઝ@રાજકોટ : ગોંડલમાંથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નીલેશ રૈયાણી હત્યા કેસ સંબંધિત મુદ્દામાં જયરાજસિંહ જાડેજા પર સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી જામીનની શરતોના ભંગના ગંભીર આરોપો લાગ્યા છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, જયરાજસિંહ જાડેજા દ્વારા દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજર રહી સહી કરવાની શરતનું યોગ્ય પાલન કરવામાં આવતું નથી. આ શરતનું ઉલ્લંઘન કરીને તેઓ નિયમિત હાજરી પુરાવાની પ્રક્રિયામાં બેદરકારી દાખવી રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, પોલીસ સ્ટેશનમાં જઈને હાજરી નોંધાવવાને બદલે, રજિસ્ટર પોતાના ઘરે મંગાવી સહી કરાવવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે ફરિયાદી જગદીશ સાટોડિયા દ્વારા રાજ્યના કાયદા વિભાગ, સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટમાં સત્તાવાર અરજી કરવામાં આવી છે. સાથે જ કેસને ડે-ટુ-ડે ધોરણે ઝડપી ચલાવવાની માંગ પણ કરવામાં આવી છે.
ફરિયાદીએ વધુમાં રેન્જ આઈજીને પણ અરજી કરીને છેલ્લા ત્રણ મહિનાના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવા અને રિઝર્વ કરવા માટે વિનંતી કરી છે, જેથી તપાસ પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ન આવે.
હાલમાં આ મામલો કાનૂની અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.