અયોધ્યા રામ મંદિરમાં પુજારીઓ માટે નવો ડ્રેસ કોડ
-
ગરમીમાં નીચે ધોતી અને ખભા પર વગર સીવેલું પીળું રેશમી વસ્ત્ર
-
શિયાળાની ઋતુમાં હવામાન મુજબ પીળા રંગના ઊની વસ્ત્રો અપાશે
-
વૈષ્ણવ પરંપરા મુજબ ગર્ભગૃહની પવિત્રતા જાળવવા લેવાયો નિર્ણય
સિટી ન્યુઝ @ અયોધ્યા
અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં દાનની ગણતરી અને વ્યવસ્થાપનમાં સુધારા બાદ હવે પૂજા પદ્ધતિમાં પણ મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના તમામ પુજારીઓ હવે એકસમાન ગણવેશમાં જોવા મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયેલા નવા ડ્રેસ કોડ હેઠળ તમામ પુજારીઓ પીળા રંગના પવિત્ર વસ્ત્રો ધારણ કરશે.
નવા નિયમ મુજબ ગરમીની ઋતુમાં પુજારીઓ માટે નીચે ધોતીયું અને ઉપર ખભા પર રાખવા માટે વગર સીવેલું રેશમી પીળું વસ્ત્ર નક્કી કરવામાં આવ્યું છે. હવામાન બદલાવાની સાથે વસ્ત્રોના પ્રકારમાં ફેરફાર થશે, પરંતુ તેનો રંગ હંમેશાં પીળો જ રહેશે. શિયાળા અને ઠંડીની ઋતુમાં પુજારીઓને હવામાન મુજબ પીળા રંગના ઊની વસ્ત્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ધાર્મિક સમિતિના જણાવ્યા અનુસાર રેશમી અને ઊની વસ્ત્રો ધાર્મિક શુચિતા અને પવિત્રતાની દ્રષ્ટિએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ જ પરંપરા અને પવિત્રતાને જાળવી રાખવા માટે તમામ પુજારીઓ માટે એકસમાન વેશભૂષા નક્કી કરાઈ છે, જેથી રામ મંદિરની સમગ્ર પૂજા વ્યવસ્થામાં એકરૂપતા દેખાઈ આવે.
રામલલ્લાના પુજારીઓની ડ્યુટીનો સમય દર મહિનાની અમાસ અને પૂનમે બદલાઈ જાય છે. શ્રાવણ કૃષ્ણ અમાસ પર જે ગ્રુપના પુજારીઓની ડ્યુટી સવારની પાળીમાં હતી, તેઓ પ્રતિપદાથી સાંજની પાળીમાં આવી ગયા છે. આ નવો ડ્રેસ કોડ 15 ઓગસ્ટથી પૂર્ણપણે લાગુ કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.
વસ્ત્રોની પવિત્રતા અંગે ધાર્મિક ન્યાસ સમિતિના સભ્ય સ્વામી રાજકુમાર દાસે જણાવ્યું કે વૈષ્ણવ પરંપરામાં મંદિરના ગર્ભગૃહમાં મર્યાદાનું પાલન થવું અનિવાર્ય છે. ઊની અને રેશમી વસ્ત્રોની સરખામણીમાં સીવેલા સુતરાઉ વસ્ત્રો પૂજા માટે અશુદ્ધ ગણાય છે, જેથી પવિત્રતા જાળવવા પુજારીઓ માટે સીવ્યા વગરના રેશમી પીળા વસ્ત્રો પહેરવાનો નિયમ બનાવાયો છે.
અયોધ્યા રામ મંદિરમાં પુજારીઓ માટે નવો ડ્રેસકોડ
અયોધ્યા રામ મંદિરમાં પૂજા વ્યવસ્થામાં એકરૂપતા અને પવિત્રતા જાળવવા પુજારીઓ માટે પીળા રંગનો નવો ડ્રેસ કોડ નક્કી કરાયો છે. ગરમીમાં ધોતી સાથે વગર સીવેલું પીળું રેશમી વસ્ત્ર અને શિયાળામાં ઊની વસ્ત્રો અપાશે. વૈષ્ણવ પરંપરા અને ગર્ભગૃહની મર્યાદા મુજબ 15 ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ કરાશે. દર અમાસ-પૂનમે પુજારીઓની પાળી બદલાશે.