Loading Please Wait !!!
દેશભરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ

 

  • લાલકિલ્લા પરથી વડાપ્રધાનના સંબોધન પર રહેશે સમગ્ર દેશની નજર

  • પેરાગ્લાઈડર, ડ્રોન અને એર બલૂન પર દિલ્હીમાં અગાઉથી જ પ્રતિબંધ

  • સવારે 4 થી 10 વાગ્યા સુધી લાલકિલ્લા તરફના મુખ્ય માર્ગો બંધ રહેશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

આવતીકાલે 15 ઓગસ્ટ ભારતમાં 80 માં સ્વાતંત્ર્ય દિવસની આન.બાન,શાનથી ઉજવણી કરવામાં આવશે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભકિત દેશપ્રેમનો રંગ ઘુંટાવા લાગ્યો છે.પાટનગર દિલ્હીમાં મુખ્ય સમારોહ યોજાશે. આઝાદી દિવસે કોઈ રાષ્ટ્રવિરોધી તત્વો વિઘ્ન સર્જે તે માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દેશના આઝાદી દિને લાલકિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્વજ ફરકાવશે આઝાદી દિવસની ઉજવણીની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવશે જે એક પરંપરાનો ભાગ છે.

ભારતનો આ વર્ષનો સ્વતંત્રતા દિવસે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાને કારણે પણ મહત્વનો છે કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસ સમારોહને યુવા શકિત, રાષ્ટ્રીય એકતા તથા વિકસીત ભારતના લક્ષ્ય સાથે સંકલીત કરીને અનેક કાર્યક્રમો તૈયાર કર્યા છે. પાટનગર દિલ્હીમાં યોજાનારા મુખ્ય સમારોહમાં જુદા જુદા કાર્યક્રમો યોજાશે જેનું ફુલ ડ્રેસ રીહર્સલ ગઈકાલે યોજવા સાથે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો.

લાલકિલ્લા પરથી આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને જેનઝીનાં તાજેતરનાં આંદોલન તથા યુવા વર્ગની મોંઘા શિક્ષણથી માંડીને રોજગારીની મુશ્કેલી જેવા મુદાઓને આવરી લેવામાં આવે છે કે કેમ તે મહત્વનું બનશે.

 રાષ્ટ્રવિરોધી તત્વો સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કોઈ ખલેલ ન સર્જે તે માટે સમગ્ર દિલ્હીમાં અભુતપુર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જયારે મુખ્ય સમારોહના સ્થળ એવા લાલકિલ્લા આસપાસ અભેદ્ય કિલ્લાબંધી જેવી સુરક્ષા છે. પાટનગરમાં પેરાગ્લાઈડર, પેરામેટર, હૈંગ ગ્લાઈડર ડ્રોન એર બલુન વગેરે પર અગાઉ જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

જમીનથી માંડીને આકાશ પરથી સુરક્ષા કિલ્લેબંધી રહેશે સુરક્ષાનાં ભાગરૂપે સવારે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી લાલકિલ્લા તરફના તમામ માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અને વૈકિલ્પક માર્ગો જાહેર કરાયા છે.

પાટનગર દિલ્હીમાં દેશનો મુખ્ય કાર્યક્રમ યોજવા ઉપરાંત તમામ રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. નાના ગામોથી માંડીને મહાનગરમાં દેશભકિતનો રંગ ઘુંટાશે. ગુજરાતમાં આઝાદી દિન પુર્વે તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ છલકાય જ રહ્યો છે.