Loading Please Wait !!!
રાજકોટના વેપારીની કંપનીની જંતુનાશક દવાઓ ડુપ્લિકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ગોંડલના ભુનાવા પાસે આવેલ મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પોલીસનો દરોડોઃ શાપર સ્થિત એફીલ્ડ કોપ કેર કંપનીની ડુપ્લિકેટ દવાનું વેચાણ-ઉત્પાદન પૂર્વ કર્મી અને તેનો મિત્ર ચલાવતા

સિટી ન્યૂઝ @ રાજકોટ

ગોંડલના ભુનાવા ગામ પાસે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સામે આવતાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કંપનીના જ પૂર્વ કર્મચારીએ મિત્ર સાથે મળી છેલ્લા છ મહિનાથી આ પ્રકારે ડુપ્લિકેટ દવાઓ વેચતો હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે બાલાજી હોલ બીલીપત્ર એપાર્ટમેન્ટ એ ૫૦૧ માં રહેતા કૌશિકભાઈ પરસોત્તમભાઈ ડુંભર (ઉ.વ.૫૦) નામના વેપારીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગિરધર લીલાના નામ આપી જણાવ્યું હતું કે, તેમને શાપર ખાતે એફીલ્ડ કોપ કેર નામની ખેતીવાડીને લગતી જંતુનાશક દવા બનાવવાની કંપની આવેલી છે, જેમાં તેઓ દવાનું વેચાણ કરે છે. કંપનીમાં ખેતીવાડીને લગતી જંતુનાશક દવા બનાવી તેનું ગુજરાત તથા મધ્યપ્રદેશ રાજ્યમાં વેચાણ કરે છે.

ગઈકાલે તેમને એવી હકીકત મળી હતી કે, તેમની કંપનીમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં કામ કરનાર સ્મિત વરસસાણી તથા તેના મિત્ર સ્મિત લીલાએ ભાગીદારીમાં ગોંડલના ભુનાવા ગામે જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની ખેતીવાડીને લગતી જંતુનાશક દવા બનાવવાની કંપની ચલાવે છે, જેમાં ફરિયાદી કંપનીની ખેતીવાડીની જંતુનાશક દવા પ્રોફેકો સુપર નામની ડુપ્લિકેટ દવાનું આશરે છ મહિનાથી ઉત્પાદન કરી વેચાણ કરે છે.

જેથી ફરિયાદી આ બાબતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈ કરી પોલીસને સાથે રાખી જય ઇન્ડસ્ટ્રીઝ એરીયા આવેલી મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પ્રોડક્ટ બાબતે તપાસ કરતા ફરિયાદી કંપનીની પ્રોફેકો સુપર સહિતની જંતુનાશક દવાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાંથી કુલ અલગ અલગ બોટલ મળી રૂ. ૨૫,૭૮૦ ની કિંમતની ૪૧ બોટલ ડુપ્લિકેટ દવાનો જથ્થો મળ્યો હતો.

સ્મિત તથા સ્મિતને ફરિયાદીએ પોતાની કંપનીની દવાઓ બનાવવા કે રાખવા વેચાણ કરવા બાબતે કોઈ આધાર પુરાવા લાયસન્સ રજૂ કરવાનું કહેતા તેઓ પાસે આવો કોઈ આધાર પુરાવો ન હોય જેથી બંને શખ્સોએ ફરિયાદીની માલિકીની એફીલ્ડ કોપ કેરની પ્રોફેકો સુપર નામની દવાઓની ડુપ્લિકેટ દવાઓ બનાવી તેનું વેચાણ કરી ફરિયાદીને આર્થિક નુકસાન કરી તેમજ ખેડૂતો તથા કંપની સાથે છેતરપિંડી કરતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેથી આ મામલે પોલીસે બંને સામે કોપીરાઈટ એક્ટ તથા છેતરપિંડી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.