સ્પેસનો અખૂટ ખજાનો, પૃથ્વી કરતાં પણ વધુ સોનું ધરાવતા લઘુગ્રહ તરફ વધતું નાસાનું યાન
- લોખંડ, નિકલ અને પ્લેટિનમનો બનેલો છે આખો લઘુગ્રહ; ધાતુઓની કિંમત પાછળ લાગશે 18 શૂન્ય
- ઓક્ટોબર 2023 માં લોન્ચ થયેલું નાસાનું યાન મંગળના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરી આગળ વધ્યું
- વૈજ્ઞાનિકો માટે કિંમત નહીં પણ રહસ્યો મહત્વના; સ્પેસક્રાફ્ટ સાયકીની ચારેય તરફ ચક્કર લગાવી ડેટા મોકલશે
સિટી ન્યુઝ @ કેલિફોર્નિયા
અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ના સૌથી અદભુત અને મહત્વકાંક્ષી અંતરિક્ષ મિશનને લઈને એક મોટી વૈજ્ઞાનિક સફળતા સામે આવી છે. અંતરિક્ષમાં પૃથ્વી પર રહેલા કુલ સોના કરતાં પણ વધુ સોનું અને કિંમતી ધાતુઓ ધરાવતા એક રહસ્યમય લઘુગ્રહ (એસ્ટરોઇડ) તરફ આગળ વધી રહેલું નાસાનું સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક મંગળ ગ્રહની ખૂબ જ નજીકથી પસાર થયું છે. બ્રહ્માંડના અખૂટ ખજાના સમાન આ લઘુગ્રહ સુધી પહોંચવા માટે નાસાનું આ યાન મંગળના શક્તિશાળી ગુરૂત્વાકર્ષણ બળ (ગ્રેવિટેશનલ સ્લિંગશોટ) નો ઉપયોગ કરીને પોતાની ગતિ અને ઝડપમાં મોટો વધારો કરશે.
અંતરિક્ષ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આપણા સૌરમંડળમાં મંગળ અને ગુરુ ગ્રહોની વચ્ચે આવેલા પ્રખ્યાત એસ્ટરોઇડ બેલ્ટમાં એક એવો અનોખો લઘુગ્રહ સૂર્યની પ્રદક્ષિણા કરી રહ્યો છે જે ભારે માત્રામાં લોખંડ, નિકલ, સોનું અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓનો બનેલો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવ ઇતિહાસમાં પૃથ્વી પર અત્યાર સુધી ખોદકામ કરીને મેળવાયેલા કુલ સોના કરતાં પણ વધુ સોનાનો જથ્થો આ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોઈ શકે છે. ખગોળશાસ્ત્રની ભાષામાં આ વિશિષ્ટ લઘુગ્રહનું સત્તાવાર નામ ’16 સાયકી’ (16 Psyche) રાખવામાં આવ્યું છે.
નાસા દ્વારા આ કિંમતી એસ્ટરોઇડની આંતરિક રચના સમજવા માટે ઓક્ટોબર 2023 માં ખાસ 'સાયકી મિશન' લોન્ચ કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ યાને મંગળની ભૌગોલિક કક્ષાની નજીક પહોંચીને આગળની સફર શરૂ કરી છે. અંતરિક્ષ વિજ્ઞાનના અંદાજ મુજબ વર્ષ 2029 સુધીમાં આ હાઇટેક યાન સાયકી એસ્ટરોઇડની સપાટી સુધી પહોંચી જાય તેવી પૂરેપૂરી આશા છે. આ લઘુગ્રહની શોધ ઇટાલીના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી એનીબેલ ડી ગેસ્પારિસે વર્ષ 1852 માં કરી હતી. આશરે 220 કિલોમીટર પહોળો આ એસ્ટરોઇડ પોતાના બેલ્ટની સૌથી વિશાળ વસ્તુઓમાંથી એક છે.
અંતરિક્ષ સંશોધકોના મતે આ એસ્ટરોઇડ પર રહેલી અઢળક ધાતુઓની વર્તમાન બજાર કિંમત ક્વિન્ટિલિયન ડોલર એટલે કે 1 ની પાછળ 18 શૂન્ય લાગે તેટલી અવાક કરી દેનારી હોઈ શકે છે. જોકે, વૈજ્ઞાનિકો માટે આ લઘુગ્રહનું સૌથી મોટું આકર્ષણ તેની આર્થિક કિંમત નથી, પરંતુ તેની અંદર છુપાયેલા અબજો વર્ષ જૂના બ્રહ્માંડના રહસ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે આ લઘુગ્રહ વાસ્તવમાં ભૂતકાળમાં કોઈ પ્રાચીન તૂટી ગયેલા મોટા ગ્રહનો ધાતુવાળો અંદરનો ભાગ એટલે કે 'કોર' હોઈ શકે છે, જે કોઈ કારણોસર ખુલ્લો થઈ ગયો છે.
પૃથ્વી અને અન્ય ગ્રહોના નિર્માણનું રહસ્ય ખુલશે
નાસાનું યાન જ્યારે વર્ષ 2029 માં સાયકી એસ્ટરોઇડની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે, ત્યારે તે તેની ચારેય તરફ સતત ચક્કર લગાવશે. આ દરમિયાન સ્પેસક્રાફ્ટમાં લગાવેલા આધુનિક સેન્સર્સ તેની સપાટીની રચના, ગુરુત્વાકર્ષણની તીવ્રતા, ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) અને તેની આંતરિક બનાવટનો ઝીણવટભર્યો અભ્યાસ કરશે. આ સંશોધનથી વૈજ્ઞાનિકોને એ સમજવામાં મોટી મદદ મળશે કે અબજો વર્ષ પહેલાં આપણી પૃથ્વી અને તેના જેવા અન્ય ખડકાળ ગ્રહોના અંદરના ભાગ (કોર) નું નિર્માણ કેવી રીતે થયું હતું.