આધારકાર્ડ માટે લોકો લાઈનમાં શેકાયા; તંત્ર ACમાં સુતેલું !
=> વેસ્ટ ઝોન કચેરીમાં અવ્યવસ્થા : પ્રજા પરેશાન, સ્ટાફ નિષ્ક્રિય
=> તડકામાં જનતા તડપે, કચેરીમાં સ્ટાફ મોજ અને મસ્તીમાં વ્યસ્ત : મહાપાલિકાની બેદરકારી ઉઘાડી
=> મહાપાલિકા સ્ટાફની નિષ્ઠુરતા બહાર
=> વીડિયો વાયરલથી હાહાકાર
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાં આધાર કાર્ડ કાઢાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચેરી બહાર લાંબી લાઈનમાં ઊભેલા લોકો તડકામાં શેકાઈ રહ્યા છે, જ્યારે અંદર સ્ટાફ તરફથી યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, રોજ મોટી સંખ્યામાં નાગરિકો આધાર કાર્ડ સંબંધિત કામગીરી માટે અહીં આવે છે. પરંતુ ગરમીના કડક તાપમાં પણ કોઈ છાયા કે રાહતની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો તડકામાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બને છે. ખાસ કરીને વડીલો, મહિલાઓ અને નાના બાળકો સાથે આવેલા પરિવારોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, કચેરીમાં સ્ટાફ દ્વારા કાર્યમાં ગતિ ન દેખાતા લાઈન વધુ લાંબી બનતી જાય છે. કેટલાક લોકોએ તો સ્ટાફની નિષ્ક્રિયતા અને ઉદાસીન વલણ સામે નારાજગી વ્યક્ત કરી છે.નાગરિકોએ મહાનગરપાલિકા તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેમાં છાયા, પીવાનું પાણી અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી લોકોને આ તકલીફમાંથી રાહત મળી શકે.
હાલ આ મુદ્દે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ લોકોમાં વધતો રોષ તંત્ર માટે ચેતવણીરૂપ બન્યો છે.