રતનપરમાં ખનીજચોરીનો ડ્રામા ફેલ કાયદેસર કામને ગેરકાયદેસર ગણાવ્યું
=> ખાણ વિભાગની ઉતાવળ બેક ફાયર : તંત્ર પડ્યું ભોઠું
=> ટેન્ડર તંત્રએ જ આપ્યું હતું : દસ્તાવેજો સામે તંત્રની પોલ ખૂલ્લી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના રતનપર ગામે સુજલામ સુફલામ યોજનાના હુકમ બતાવીને ખનીજચોરી થઈ રહી હોવાની ફરિયાદ બાદ ખાણ અને ખનીજ વિભાગની ટીમે દરોડો પાડીને ખનીજચોરી ઝડપી પાડી હતી. જો કે બાદમાં આ અંગેના દસ્તાવેજી કરાર અને પુરાવાઓ રજૂ કરાતા ક્યાંય ખનીજચોરી થઈ નહીં હોવાનું સામે આવ્યું હતું. સુજલામ સુફલામ યોજના હેઠળ જ કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવતા તંત્ર ભોઠું પડ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, ત્રણ ચાર દિવસથી રતનપર ગામના રે. સ નંબર 229 પૈકી 1 ના સરકારી ખરાબામાં પોતાને એડવોકેટ વૈશાલી પટેલ જણાવતી મહિલા દ્વારા સુજલામ સુફલામ યોજનાના હુકમ બતાવી નદીમાં ખોદકામ ન કરીને રતનપર ગામના સરકારી ખરાબામાં કાળી માટીની ખનીજ ચોરી કરી રહી હતી. ગામ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો ત્યારે વૈશાલી પટેલ દ્વારા તેમને પોલીસ બીક બતાવી , તથા " તમારા થી થાય તે કરી લ્યો , મારું કોઈ કાઈ નહીં બગાડી શકે " જેવી ધમકી બતાવામાં આવી હતી. જે બાદ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ખનીજ અધિકારીઓ દ્વારા ખનીજ ચોરી ગેરકાયદે ગણાવી વૈશાલીબહેન પટેલ વિરુદ્ધ તથા એક જેસીબી અને એક ટ્રેકટર ટ્રોલી વિરુદ્ધ કાર્યવાહી કરીને વાહનોને કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાત કબજે રાખવામાં આવ્યા છે. તમામ કાર્યવાહી રતનપર ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તથા ગામના અન્ય નાના મોટા આગેવાનની હાજરીમાં કરવામાં આવી હતી.
જો કે બાદમાં વૈશાલીબહેન પટેલ દ્વારા તમામ દસ્તાવેજી કરાર અને પુરાવા રજૂ કરાતા રતનપર ગામમાં ખનીજચોરી કરવામાં નહીં આવી હોવાનું સામે આવ્યું હતું. દસ્તાવેજી પુરાવાના આધારે તંત્ર ભોઠુ પડ્યું હતું.