વીજલાઇન વળતર મુદ્દે મોરબીના ખેડૂતોમાં બે ફાંટા
-
વીજલાઇન વળતર મુદ્દે મોરબીના ખેડૂતોમાં બે ફાંટા
-
નવી MRC નીતિથી વળતરમાં 4 ગણો વધારો: અમુક રાજી, અમુક નારાજ
-
જેતપર vs વેગડવાવ: વીજલાઇન વળતર આંદોલનમાં ખેડૂતો વચ્ચે તડાં
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લામાં વીજ ટ્રાન્સમિશન લાઇનના કામથી અસરગ્રસ્ત ખેડૂતોને પારદર્શક અને ન્યાયી વળતર ચૂકવવા માટે સરકારના 4 જુલાઈ 2026 ના નવા ઠરાવ અન્વયે પ્રથમ વખત માર્કેટ રેટ કમિટી (MRC) ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હળવદ તાલુકાના વેગડવાવ ગામના ખેડૂત પ્રતિનિધિઓ, કંપનીના અધિકારીઓ અને અધિકૃત વેલ્યુઅરોની હાજરીમાં કલેક્ટર, કંપની અને ખેડૂતોના વેલ્યુઅર્સ દ્વારા આપેલા બંધ કવરમાંથી લોટરી પદ્ધતિથી યાદચ્છિક બે ચિઠ્ઠી પસંદ કરી 15 સર્વે નંબરોના ભાવ નક્કી કરાયા હતા.
તંત્રના જણાવ્યા મુજબ, નવી નીતિના અમલથી ખેડૂતોને જૂની વ્યવસ્થા કરતાં 400% થી વધુ વળતર મળશે. દાખલા તરીકે, વેગડવાવ ગામના સર્વે નંબર 150 પૈકી 9 માં જૂની DLVC પદ્ધતિ મુજબ ₹979 ના ભાવે ₹14.57 લાખ મળવાપાત્ર હતા, તેની સામે નવી MRC પદ્ધતિમાં ₹1945 ભાવ નક્કી થતાં 200 ટકા મુજબ ₹58.61 લાખ ચૂકવાશે. આ ઉપરાંત કામગીરી દરમિયાન થયેલા પાક નુકસાનનું અલગથી વળતર ચૂકવવાની પણ ખાતરી અપાઈ છે.
જોકે, આ નવા ભાવ નિર્ધારણ સામે ખેડૂતોમાં તડાં પડ્યા છે. જેતપર સત્યાગ્રહ છાવણીના નેતા નેહુલ અમૃતિયા અને તેમની ટીમે વેગડવાવ પહોંચીને આક્ષેપ કર્યો હતો કે ગામમાંથી ત્રણ લાઇન પસાર થાય છે જેમાં સેંકડો ખેડૂતો અસરગ્રસ્ત છે. તંત્રએ માત્ર જૂજ ખેડૂતોની સહીઓ મેળવીને પ્રક્રિયા કરી છે, જ્યારે મોટાભાગના અસરગ્રસ્તો આ ભાવથી અસહમત છે. તેમણે ચેતવણી આપી હતી કે મોરબીના 200 થી વધુ ગામોમાં નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગી ચૂક્યા છે અને જો તમામ ખેડૂતોને માંગણી મુજબ સંપૂર્ણ વળતર નહીં મળે તો આ આંદોલનને રાજ્યવ્યાપી બનાવવામાં આવશે.
વીજલાઇન વળતર: નવી નીતિ છતાં આંદોલનની ચીમકી
મોરબીમાં સરકારી નવી MRC નીતિ હેઠળ લોટરી પદ્ધતિથી વીજલાઇન અસરગ્રસ્તો માટે 4 ગણાથી વધુ વળતર નક્કી કરાયું છે, જેનાથી કેટલાક ખેડૂતો સંતુષ્ટ છે. બીજી તરફ, જેતપર સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ આરોપ મૂક્યો છે કે માત્ર ગણ્યાગાંઠ્યા ખેડૂતોની સહમતીથી નિર્ણય લેવાયો છે. જો તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર નહીં મળે તો સમગ્ર રાજ્યમાં આંદોલન છેડવાની ચેતવણી અપાઈ છે.