મોરબીમાં ટ્રાન્સમિશન લાઇન અસરગ્રસ્ત ખેડૂતોને મોટી રાહત: 25 સર્વે નંબરોના નવા ઊંચા ભાવ નક્કી
-
કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટી (MRC) ની મહત્વપૂર્ણ બેઠક મળી
-
લોટરી પદ્ધતિથી બે કવર પસંદ કરી પારદર્શક રીતે જમીનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
-
અગાઉ DLVC હેઠળ માત્ર ₹13.50 લાખ પ્રતિ વીઘા હતા, જેમાં બમણાથી પાંચ ગણો વધારો થયો
સિટી ન્યુઝ @ મોરબી
મોરબી જિલ્લામાં ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત બનેલા ખેડૂતોને રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ યોગ્ય અને ન્યાયી વળતર મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં માર્કેટ રેટ કમિટી (MRC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના 4 ગામોના કુલ 25 સર્વે નંબરો માટે જમીનના નવા અને ઊંચા વળતર દર નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં વાંકાનેર તાલુકાના હોલમઢ અને ઘીયાવડ, હળવદ તાલુકાના રાણેકપર તેમજ માળીયા મિયાણા તાલુકાના વીરવદરકા ગામના અસરગ્રસ્ત 25 સર્વે નંબરોનું પુનઃ મૂલ્યાંકન કરાયું હતું. મંજૂર થયેલા નવા દર મુજબ, રાણેકપરના કેટલાક સર્વે નંબરોમાં પ્રતિ વીઘા આશરે ₹69 લાખ સુધી, ઘીયાવડમાં ₹55 લાખ, હોલમઢમાં ₹49.50 લાખ અને વીરવદરકામાં આશરે ₹25 લાખ સુધીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
અગાઉ ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટી (DLVC) ના જૂના નિયમો મુજબ આ ચારેય ગામોના સર્વે નંબરો માટે પ્રતિ વીઘા માત્ર ₹13.50 લાખનો ભાવ નક્કી થયેલો હતો. નવી પારદર્શક MRC પ્રક્રિયા બાદ રાણેકપરમાં પાંચ ગણાથી વધુ, ઘીયાવડમાં ચાર ગણાથી વધુ, હોલમઢમાં સાડા ત્રણથી ચાર ગણો અને વીરવદરકામાં લગભગ બમણો ભાવ ખેડૂતોને મળવાપાત્ર થયો છે. આ ભાવ નિર્ધારણ માટે માન્ય મૂલ્યાંકનકારો પાસેથી બંધ કવરમાં ભાવ મંગાવી ખેડૂત પ્રતિનિધિઓની રૂબરૂ હાજરીમાં લોટરી પદ્ધતિથી અંતિમ દર નક્કી કરાયા હતા.
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સંબંધિત ટ્રાન્સમિશન કંપનીઓને કડક સૂચના આપતાં આદેશ કર્યો છે કે નિર્ધારિત થયેલા વળતરની 100 ટકા રકમ આગામી 7 દિવસની અંદર તમામ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ચૂકવી દેવામાં આવે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર (RAC) એસ.જે. ખાચર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇનનું ન્યાયી વળતર
મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં મળેલી MRC બેઠકમાં 4 ગામના 25 સર્વે નંબરો માટે જમીનના નવા ભાવ નક્કી કરાયા છે. રાણેકપરમાં ₹69 લાખ અને ઘીયાવડમાં ₹55 લાખ પ્રતિ વીઘા સુધીના દર મંજૂર થતાં વળતરમાં 2 થી 5 ગણો વધારો થયો છે. કલેક્ટરે ટ્રાન્સમિશન કંપનીઓને 7 દિવસમાં 100% વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.