Loading Please Wait !!!
ગુજરાત પોલીસને DGPની ફાઈનલ વોર્નિંગ: ‘આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાનું હવે બંધ કરો’

  • જાહેરમાં માર મારવો કે માફી મંગાવવી એ અમાનવીય કૃત્ય; નિયમ તોડનાર પોલીસકર્મીઓ સામે થશે કડક કાર્યવાહી
  • હાઈકોર્ટના કડક વલણ બાદ લેવાયો મોટો નિર્ણય; ‘સરઘસ’ કાઢતી પોલીસને ઉચ્ચ કક્ષાએ આપવો પડશે જવાબ
  • સીન રિકન્સ્ટ્રક્શનના નામે થતા જાહેર અપમાન પર રોક; ગુજરાત પોલીસના વલણમાં આવશે મોટો ફેરફાર

સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાતમાં ગુનેગારોને પાઠ ભણાવવા માટે પોલીસ દ્વારા જે રીતે જાહેરમાં સરઘસ કાઢવાની અથવા ‘વરઘોડો’ કાઢવાની પદ્ધતિ અમલમાં હતી, તેના પર હવે પૂર્ણવિરામ મૂકવાની તૈયારી છે. રાજ્યના ઇન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે પોલીસ બેડાને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપતા આદેશ કર્યો છે કે, આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે.

અમાનવીય વ્યવહાર સામે લાલ આંખ DGPએ જારી કરેલા લેખિત આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ આરોપીને ગુનાહિત સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જતી વખતે કે જાહેર સ્થળે લઈ જતી વખતે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવો નહીં. આરોપીને જાહેરમાં લાત મારવી, લાકડીથી માર મારવો કે તેમની પાસે જાહેરમાં માફી મંગાવવી એ કાયદાની મર્યાદાની બહાર છે. જો કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારી આ આદેશનું ઉલ્લંઘન કરશે, તો તેમણે ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાશે.

હાઈકોર્ટના આદેશનું પાલન નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટે અગાઉ પોલીસ દ્વારા આરોપીઓના જાહેર અપમાન અને મારપીટની ઘટનાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટના આ કડક વલણને પગલે DGPએ આ આદેશ જાહેર કર્યો છે. રાજ્યમાં પોલીસિંગને વધુ આધુનિક અને કાયદાબદ્ધ બનાવવા માટે આ એક મહત્વનું કદમ માનવામાં આવે છે.

જવાબદારી નક્કી થશે DGPએ પોલીસ સ્ટેશનો અને ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી છે કે, આરોપીઓ સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ કિસ્સામાં આરોપીનું માનસિક કે શારીરિક શોષણ થતું જણાશે, તો જે-તે વિસ્તારના સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ આદેશથી રાજ્યમાં પોલીસની કામગીરીમાં પારદર્શિતા અને માનવીય અભિગમ વધશે તેવી અપેક્ષા છે.