Loading Please Wait !!!
ગાંધીનગરમાં કાયદાના રક્ષકો જ આવાસ માટે લાચાર: ૧,૦૬૧ પોલીસ જવાનો ‘વેઇટિંગ’ માં

  • નિવૃત્ત અને બદલી પામેલા કર્મચારીઓએ આવાસ પર જમાવ્યો ‘ગેરકાયદે’ કબજો; નિયમોના ધજાગરા
  • ગાંધીનગર પોલીસ તંત્રમાં ‘ઘરના છોકરા ઘંટી ચાટે’: ૧,૦૦૦ થી વધુ જવાનો ખાનગી મકાનોમાં રહેવા મજબૂર
  • આવાસ વિભાગના આંકડાએ ખોલી પોલ; ૧,૦૬૧ જવાનોની ફાળવણીની પ્રતિક્ષા ક્યારે અંત આવશે?

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ જવાનો અત્યારે પોતે જ આવાસની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક તરફ 1,061 જેટલા પોલીસ કર્મચારીઓ સરકારી આવાસ મેળવવા માટે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અનેક ફ્લેટો પર નિવૃત્ત થયેલા કે અન્ય જિલ્લામાં બદલી પામેલા કર્મચારીઓએ 'અનધિકૃત' રીતે કબજો જમાવી રાખ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સરકારી નિયમો અનુસાર, કોઈપણ પોલીસ કર્મચારીની બદલી થાય અથવા તેઓ નિવૃત્ત થાય, તે પછી વધુમાં વધુ 3 મહિનાની અંદર સરકારી આવાસ ખાલી કરી દેવું અનિવાર્ય છે. જોકે, ગાંધીનગરના વિવિધ સેક્ટરોમાં આવેલી પોલીસ લાઈનોમાં અનેક પરિવારો આ નિયમની ઐસીતૈસી કરીને વર્ષોથી ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તો ગાંધીનગરમાં પોતાના ખાનગી મકાનો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ સરકારી આવાસ પચાવી પાડ્યા છે, જેના કારણે હકદાર કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે.

આ વહીવટી અંધાધૂંધીને કારણે હાલમાં ગાંધીનગરમાં કાર્યરત કોન્સ્ટેબલો અને સબ-ઇન્સ્પેક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેઠાણની સુવિધા ન મળતા અનેક જવાનોએ ખાનગી મકાનોમાં 10 થી 15 હજાર રૂપિયાના મોંઘા ભાડા ખર્ચીને રહેવું પડી રહ્યું છે. પોલીસ હેડક્વાર્ટરમાં રહેણાંક એકમોનું વર્ષોથી યોગ્ય ચેકિંગ ન થયું હોવાને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી હોવાનું મનાય છે.

ગાંધીનગર પોલીસ આવાસ વિભાગના સત્તાવાર ડેટા મુજબ, 1,061 પોલીસ જવાનો અત્યારે પણ વેટિંગ લિસ્ટમાં છે. રહેઠાણની અછત હવે ગંભીર સ્તરે પહોંચી છે, જેના કારણે ખાસ કરીને નવા ભરતી થયેલા કે અન્ય જિલ્લામાંથી બદલી થઈને આવેલા જવાનોને રહેવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે શિસ્તબદ્ધ ગણાતા પોલીસ બેડામાં જ હવે અસંતોષના સૂર ઉઠી રહ્યા છે.

નિયમો હોવા છતાં અનધિકૃત રીતે રહેતા લોકો સામે પોલીસ વિભાગ કેમ કોઈ કડક કાર્યવાહી કરતું નથી તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. શું પોલીસ વિભાગ પોતાના જ કર્મચારીઓ પાસે નિયમ મુજબ આવાસ ખાલી કરાવવામાં વામણું પુરવાર થયું છે? હવે જોવાનું એ રહે છે કે, પોલીસ વડા આ મામલે ક્યારે તપાસ કરાવીને વેટિંગ લિસ્ટમાં રહેલા 1,061 જવાનોને ન્યાય અપાવવા માટે કડક ચેકિંગ ઝુંબેશ અને મકાન ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરે છે.