Loading Please Wait !!!
બગદાણામાં સગીરાના અપહરણ કેસનો આરોપી સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો!

 

  • બગદાણા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

  • આરોપી કરણ હમીરભાઈ ખસીયા તળાજા તાલુકાના ભેગાલીગામનો રહેવાસી છે.

  • ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારના અરસામાં આ અપહરણની ઘટના બની હતી.

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં સામેલ મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ૨૬ વર્ષીય ડ્રાઈવર આરોપી કરણ હમીરભાઈ ખસીયા (રહે. ભેગાલીગામ, તા. તળાજા, જિ. ભાવનગર) ને ભોગ બનનાર નાબાલિક સગીરા સાથે સફળતાપૂર્વક ડીટેઈન કરી લીધો છે.

ગત ૨૩ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારના આશરે ૦૪:૦૦ વાગ્યાના અરસામાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કરમદીયાગામની વાડી વિસ્તારમાંથી આ સગીરા ગુમ થઈ હતી. અજાણ્યો શખ્સ આ નાબાલિક છોકરીને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી, જેના આધારે બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ દરમિયાન સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને તેમની ટીમને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર સગીરા સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર હાજર છે, જેથી સમય સૂચકતા વાપરીને બંનેને તુરંત તાબામાં લેવામાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની અટકાયત કર્યા બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

આ સાથે જ ભોગ બનનાર સગીરાની સુરક્ષા અને આરોપીની આગળની પૂછપરછ તથા કાનૂની તપાસ માટે તેને ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશનની ટીમને સોંપવાની જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી છે.