મોઢેરા સૂર્ય મંદિરના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૧૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો થશે જારી
-
આર્થિક બાબતોના વિભાગ દ્વારા ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ GSR 825(E) જાહેરનામું બહાર પડાયું
-
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર સૂર્ય દેવને છે સમર્પિત
-
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે વિશેષ મહત્વ ધરાવે છે મંદિર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
સપ્ટેમ્બરના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મોઢેરાની સંભવિત મુલાકાત પૂર્વે, કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરના ૧,૦૦૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર ૧૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો જારી કરવા માટેના નિયમો સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યા છે.
આર્થિક બાબતોના વિભાગ દ્વારા ગત ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સિક્કા અધિનિયમ, ૨૦૧૧ હેઠળ GSR 825(E) નામનું મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયાની તારીખથી જ અમલમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ તૈયાર થનાર આ સ્મારક સિક્કાની વિશેષતાઓ મુજબ, તે ગોળાકાર આકારનો હશે અને તેનો બાહ્ય વ્યાસ ૪૪ મિલીમીટર રાખવામાં આવ્યો છે. સૂચના અનુસાર આ સિક્કાની કિનારી પર ૨૦૦ દાંતા હોવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સ્મારક સિક્કો નિકલ ચાંદીનો બનેલો હશે, જેમાં ૬૦ ટકા તાંબુ, ૨૦ ટકા નિકલ અને ૨૦ ટકા ઝીંકનો સમાવેશ થશે. સિક્કાની વિગતવાર ડિઝાઇન નિયમોની પ્રથમ અનુસૂચિમાં દર્શાવવામાં આવી છે, જ્યારે તેનું માનક વજન અને સિક્કો બનાવવામાં અનુમતિપાત્ર ઉપાય બીજા અનુસૂચિમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરા સૂર્ય મંદિર ભગવાન સૂર્યદેવને સમર્પિત છે અને તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ એક સુરક્ષિત તેમજ અદભુત વારસો ધરાવતું સ્મારક છે.
સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ
દેશના પ્રાચીન સ્મારકો અને ઐતિહાસિક સીમાચિહ્નોને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવા માટે આવા સ્મારક સિક્કાઓનું પ્રકાશન આપણી સમૃદ્ધ સંસ્કૃતિની ઓળખને વધુ ઉજાગર કરે છે.