Loading Please Wait !!!
મેયર બનતા જ શુક્લનો પહેલો સ્ટોપ રૂપાણી નિવાસ!

» રાજકારણમાં મોટો સંકેત સાથે નેહલ શુક્લનો વિરોધીઓને સ્ટ્રોંગ મેસેજ

» સૌથી પહેલા સ્વ. વિજય રૂપાણીના ફોટાને નમન કરી અંજલીબેનના આશીર્વાદ લીધા

» અંજલીબેને નવનિયુક્ત મેયરને તિલક સાથે રાજકોટના વિકાસ માટે આપ્યા આશીર્વાદ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટમાં નવનિયુક્ત મેયર ડૉ. નેહલ શુક્લે આજે સ્વ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચીને પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્વ. વિજયભાઈ રૂપાણીના આશીર્વાદ લીધા હોવાનું જાણવા મળ્યું છે.

મુલાકાત દરમિયાન અંજલીબેન રૂપાણીએ ડૉ. નેહલ શુક્લને પરંપરાગત રીતે “વિજય તિલક” કરીને પીઠ પર થાપો માર્યો હતો, જેને રાજકીય વર્તુળોમાં ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ મુલાકાત બાદ શહેરના રાજકીય માહોલમાં ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે રાજકોટની રાજનીતિમાં રૂપાણી પરિવાર અને તેમના નજીકના વર્તુળોનો પ્રભાવ હજુ પણ સક્રિય છે.

સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને એવી ચર્ચા પણ થઈ રહી છે કે, અગાઉ ટિકિટ વિતરણમાં પણ રૂપાણી પરિવારનો પ્રભાવ જોવા મળ્યો હતો. અને હવે મેયર પદ સુધી તેમની નજીકના લોકો પહોંચતા રાજકીય દબદબાની ચર્ચા ફરી ઉઠી છે. જોકે આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ “વિજય તિલક” અને પરિવારિક સમર્થનના દ્રશ્યોને કારણે રાજકીય અર્થઘટનો શરૂ થઈ ગયા છે. આ મુલાકાતને કેટલાક લોકો માત્ર પરંપરાગત શુભેચ્છા માને છે, જ્યારે કેટલાક તેને રાજકોટની રાજનીતિમાં સતત પ્રભાવ અને સંબંધોની શક્તિ તરીકે જોઈ રહ્યા છે.