વાહ ભાજપ ; રસ્તાઓ ઉપર ગંદુ પાણી નેતાઓ ફોટોસેશનમાં મશગૂલ
» વોર્ડ નં. 13માં સ્વામિનારાયણ ચોક પાસે ડ્રેનેજ ઓવરફ્લોથી રસ્તા નદી બન્યા
» ગંદા પાણીમાં જનતા હેરાન જવાબદારો બેફિકર
» પૂર્વ કોર્પોરેટરો જાગૃતિબેન ડાંગરે કહ્યું આ જોવો ભાજપનો વિકાસ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાના પ્રથમ જનરલ બોર્ડની બેઠક અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોના પદગ્રહણના પ્રથમ દિવસે જ રાજકોટ શહેરમાં રાજકીય ડ્રામા અને લોક સમસ્યાઓનો વિરોધાભાસી ચિત્ર જોવા મળ્યું છે. શહેરના વોર્ડ નં ૧૩ માં આવેલા સ્વામિનારાયણ ચોકમાં એકતરફ ડ્રેનેજનાં ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. જ્યારે બીજીતરફ નેતાઓનું સાયકલ પર ફોટોસેશન ચાલી રહ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે શાસકોની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે.
પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ અંગે જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાનું પ્રથમ જનરલ બોર્ડ મળવાનું છે અને તમામ કોર્પોરેટરો જ્યારે પોતાનો પદભાર ગ્રહણ કરવા જઈ રહ્યા છે, ત્યારે લોક પ્રશ્નોને વાચા આપવાના બદલે માત્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર ૧૩ માં સ્વામિનારાયણ ચોકની અંદર ગટરના પાણી ઉભરાઈને મુખ્ય માર્ગો સુધી પહોંચી ગયા છે. અંદાજે ૧ કિલોમીટર જેટલા લાંબા વિસ્તારમાં ડ્રેનેજના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળ્યા છે.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. ગંધાતા પાણીના કારણે લોકો પોતાના મોઢા પર રૂમાલ રાખીને પસાર થવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ આ નરકાગાર જેવી સ્થિતિથી લાંબા સમયથી પરેશાન છે, છતાં તંત્ર કે સત્તાધીશો દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
જાગૃતિબેન ડાંગરે વધુમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આટલી ગંભીર સમસ્યા નજરે દેખાતી હોવા છતાં ભાજપના કોર્પોરેટરોએ જનતાની પીડા તરફ સંપૂર્ણ આંખ આડા કાન કર્યા હતા. તેઓ માત્ર પોતાના હોદ્દાના અભિમાનમાં રાચતા હોય તેમ સ્વામિનારાયણ ચોકમાં સાયકલો લઈને પહોંચી ગયા હતા, અને મોટો દેખાવ કરીને ફોટો સેશન કરાવવામાં વ્યસ્ત હતા.