BSNLનો માસ્ટર સ્ટ્રોક: 51 રૂપિયામાં 28 દિવસ : રોજ 2 GB ડેટા ! અનલિમિટેડ કોલિંગ
=> નવા ગ્રાહકોને આકર્ષવા ઓફર લોન્ચ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ભારતીય ટેલિકોમ સેક્ટરમાં ખાનગી કંપનીઓના મોંઘા થતા જતા રિચાર્જ પ્લાન વચ્ચે સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા ગ્રાહકોના હિતમાં એક બહુ મોટો ધડાકો કરવામાં આવ્યો છે. કંપનીએ પોતાના યુઝર બેઝને ઝડપથી વધારવા અને રિલાયન્સ જીયો જેવી દિગ્ગજ કંપનીઓને સીધી ટક્કર આપવા માટે અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન બજારમાં ઉતાર્યો છે. કંપનીએ માત્ર ૫૧ રૂપિયામાં એક નવો સ્માર્ટ સ્ટાર્ટ પ્લાન લોન્ચ કર્યો છે, જે સામાન્ય અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે વરદાન સાબિત થઈ શકે તેમ છે.
આ નવા પ્રીપેડ પ્લાન હેઠળ ગ્રાહકોને ૨૮ દિવસની લાંબી વેલિડિટી સાથે દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને રોજ ૧૦૦ SMS બિલકુલ મફત આપવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, જે ગ્રાહકો આ ઓફર હેઠળ નવું કનેક્શન લેશે, તેમણે સિમ કાર્ડ માટે કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે, એટલે કે નવું સિમ કાર્ડ સંપૂર્ણપણે મફત મળશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓફર માત્ર નવા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ રહેશે. હાલના તબક્કે સરકારી કંપનીનું સંપૂર્ણ ધ્યાન ખાનગી કંપનીઓના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનું છે.