સમૂહલગ્નમાં 42 વરરાજા પણ દુલ્હનો ગાયબ; 11 લાખ ઉધરાવી ગેંગ રફૂચક્કર!
=> મંડપ તૈયાર, વરરાજા તૈયાર; લગ્નના નામે ભયંકર ફ્રોડ
=> ઇન્દૌરના એક અનાથાશ્રમમાંથી કન્યાઓ લાવવાનું વચન આપીને યુવકો પાસેથી પૈસા લઈ લીધા
=> મોબાઇલ ફોનમાં ભાવિ દુલ્હનોના ફોટા અગાઉથી દેખાડી લગ્ન નક્કી કર્યા
=> યુવતીઓ ગરીબ અથવા અનાથ છે અને તાત્કાલિક લગ્ન માટે તૈયાર હોવાનું કહી છેતરપિંડી કરી
=> યુવકો અને પરિવારોમાં રોષ અને આક્રોશ
સિટી ન્યૂઝ@દેવાસ
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં લગ્નના નામે ૪૨ પુરુષોને ઠગવામાં આવ્યા હતા. એમાં માત્ર પૈસાની છેતરપિંડી જ નહોતી થઈ, આ પુરુષો સાથે ઇમોશનલ ખેલ પણ ખેલવામાં આવ્યો. એક ટોળકીએ પુરુષોને મોડેલ જેવી દેખાતી યુવતીઓના ફોટા બતાવીને એ અનાથાશ્રમની કન્યાઓ છે એવું કહ્યું હતું. આ કન્યાઓ સાથે તેઓ સમૂહમાં લગ્ન કરાવી આપશે એવી ખાતરી આપી. ઇન્દૌરના એક આશ્રમમાં રહેતી છોકરીઓ સાથે સમૂહલગ્ન કરાવી આપવાનું કહીને કેટલાક દલાલોએ પુરુષો પાસેથી લગ્નના બેસિક ખર્ચ પેટે ૧૫થી ૨૫ હજાર રૂપિયા પણ ઉધરાવ્યા હતા.
નિશ્ચિત કાર્યક્રમની તારીખે આ યુવકો લગ્ન માટે તેમને કહેવામાં આવેલું એ સ્થળે પહોંચ્યા તો લગ્નની તૈયારીઓ પણ થયેલી હતી. જોકે ત્યાં એકેય દુલ્હન કે અનાથાશ્રમના માણસોમાંથી કોઈ નહોતું. છેક સાંજ સુધી રાહ જોવા છતાં ન કોઈ દુલ્હન ત્યાં આવી ન કોઈ આશ્રમનો માણસ. જ્યારે તેમને સમજાયું કે તેઓ ઠગાઈ ગયા છે ત્યારે દુલ્હાઓ અને તેમના પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લગ્નના નામે ઇમોશન્સ સાથે થયેલી રમત માટે પરિવારજનો વધુ દુખી હતા.