Loading Please Wait !!!
‘વિક’માં એક દિવસ ‘નો વ્હીકલ ડે’ ફરજિયાત કરો! : સિટી ન્યૂઝની નવનિયુક્ત મેયરને અપીલ

=> દેશના વડાપ્રધાને ઇંધણની બચત અને સંકટ વચ્ચે ઊર્જા વપરાશ માટે કરવામાં આવેલી અપીલ રાજકોટ આગેવાની લે..

=> શરૂઆત મહાપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીઓથી કરો : પ્રજા જોડાશે !

સિટી ન્યૂઝ@રાજકોટ

સિટી ન્યૂઝની નવનિયુક્ત મેયરને અપીલ કરવામાં આવી છે કે રાજકોટ શહેરમાં દર અઠવાડિયે એક દિવસ ‘નો વ્હીકલ ડે’ ફરજિયાત અમલમાં મૂકવામાં આવે. શહેરમાં સતત વધતા પ્રદૂષણ, ટ્રાફિક અને ઇંધણના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને આ પહેલ સમયની માંગ બની ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઇંધણ બચત અને ઊર્જા સંકટ વચ્ચે લોકોને જરૂરી હોય ત્યાં જ વાહન વાપરવાની અપીલ કરી છે, ત્યારે રાજકોટ આ અભિયાનમાં આગેવાની લે તેવી માંગ ઉઠી રહી છે.

સિટી ન્યૂઝે સૂચન કર્યું છે કે આ અભિયાનની શરૂઆત મહાપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓથી કરવામાં આવે. એક દિવસ માટે કાર અને બાઇકનો ઉપયોગ ટાળીને સાયકલ, જાહેર પરિવહન અથવા પગપાળા ઓફિસ પહોંચવાની પ્રેરણા આપવામાં આવે તો સામાન્ય લોકો પણ આ વિચાર સાથે સરળતાથી જોડાઈ શકે.

શહેરના નેતાઓ ઉદાહરણ પૂરું પાડશે તો પ્રજામાં પણ સકારાત્મક સંદેશ જશે. નો વ્હીકલ ડે અમલમાં મૂકવાથી શહેરના પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. દરરોજ હજારો વાહનોમાંથી નીકળતો ધુમાડો અને ઝેરી વાયુઓ શહેરની હવાને નુકસાન પહોંચાડે છે. એક દિવસ વાહનો ઓછા ચાલે તો હવામાં સુધારો થાય અને પર્યાવરણને પણ રાહત મળે. સાથે સાથે ટ્રાફિક જામમાં ઘટાડો થવાથી લોકોનો સમય અને ઇંધણ બંનેની બચત થઈ શકે છે.