દારૂની હેરાફેરી કરતા સુરત ફાયર ઓફિસર સહિત પાંચ જેલભેગા
» મહીકામાં ચાલતા દારૂના કટિંગ પર ક્રાઇમ બ્રાન્ચનો, આંબેડકરનગરમાં પોલીસનો દરોડો
» વીરનગરથી ૧૩૨ બોટલ દારૂ ભરી રાજકોટ-મેટોડા સપ્લાય કરવા આવતા બામણબોર પાસે પકડાયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, એરપોર્ટ અને માલવિયાનગર પોલીસે ૨૪૫૨ બોટલ સાથે સુરત ફાયર ઓફિસર સહિત ૫ બુટલેગરને ઝડપી લઈ સપ્લાયર અને રિસીવર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. રાજકોટમાં દારૂનું દૂષણ ડામી દેવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ડી પી ઝાલાની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે રાજકોટના મહીકા ગામ, રાજબોડલ સોસાયટીની પાછળના ભાગે ચાલતા દારૂના કટિંગ પર દરોડો પાડી ત્યાં હાજર શખ્સને અટકાવમાં લઈ નામઠામ પૂછતા પોતે સંજય સુરેશ જીંજેરીયા હોવાનું જણાવ્યું હતું પોલીસે તે શખ્સના કબજામાં રહેલ પ્લાસ્ટીકની કોથળીઓમાં તપાસતા અલગ-અલગ દારૂની ૧૯૨૦ બોટલો મળી આવતાં કુલ ૨,૫૩,૪૪૦નો દારૂ તથા મોબાઇલ મળી કુલ ૨,૬૩,૪૪૦નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની ધરપકડ કરી પૂછતાછ કરી હતી.
સંજયે માંડાડુંગરના વિપુલ મકવાણા પાસેથી દારૂ વેંચવા મંગાવ્યો હોવાનું અને રાત્રીનાઉતારી ગયો હોવાનું જણાવ્યું હતું પકડાયેલો સંજય અગાઉ ૮ ગુનામાં પકડાઈ ચૂક્યો છે પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે આ ઉપરાંત માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ પી.વી.ડોડીયા અને રવિભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે એસટી વર્કશોપ પાછળ રહેતા અલ્પેશ મકવાણાના ઘરમાં દરોડો પાડતા દારૂની ૪૯૫ બોટલ અને ૨૭૭ બિયરના ટીન મળી આવતા દારૂ અને બિયર મળી ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરી મકાન માલિક અલ્પેશ જગજીવન મકવાણાની ધરપકડ કરી સપ્લાયર અંગે તપાસ હાથ ધરી છે આ ઉપરાંત એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ તરેટીયાની રાહબરીમાં ટીમ ગઈકાલે એરપોર્ટથી મોકડીલ બંદોબસ્ત પૂર્ણ કરી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ત્યારે ત્યારે ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સોહીલભાઈ ચૌહાણ અને કોન્સ્ટેબલ જોગેશભાઈ ઠાકરીયા બામણબોર ચેક પોસ્ટ ખાતે ફરજ પર હોય એક સ્વીફ્ટ કાર અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂની ૧૩૨ બોટલો મળી આવતા કાર સાથે ત્રણ શખ્સોને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછતા છ કરતા સુરત રહેતો અને ફાયર વિભાગમાં નોકરી કરતો ભાયલાલ પરશોત્તમ વાઘેલા, રાજકોટની વૃંદાવન સોસાયટીમાં રહેતો નીતેશ પ્રેમજી બગડા અને મેટોડા રહેતો મહેશ ઉર્ફે મનીષ પરશોત્તમ પરમાર હોવાનું જણાવ્યુ હતું પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ ૨.૬૪ લાખના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરી હતી પ્રાથમિક તપાસમાં ત્રિપુટીએ વીરનગરના બુટલેગર પાસેથી દારૂ લાવી આ દારૂ રાજકોટ અને શાપરમાં સપ્લાય કરવાના હોવાની કબુલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.