ખોટા પુરાવાના કેસમાં પત્ની સહિત 3 આરોપીઓ નિર્દોષ
- ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસમાં DNA રિપોર્ટ બાદ પતિએ નોંધાવી હતી ફરિયાદ
- કોર્ટના આદેશની ઉપરવટ જઈ પોલીસ ફરિયાદ નોંધાવતા બચાવ પક્ષની ધારદાર દલીલ
- કાયદાકીય જોગવાઈઓના ભંગ બદલ મેજિસ્ટ્રેટ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજકોટની ફેમિલી કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસમાં DNA રિપોર્ટ બાદ ખોટા પુરાવા રજૂ કરવા અંગે પતિ દ્વારા પત્ની અને તેના 2 સંબંધીઓ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કાયદાકીય જોગવાઈઓના ભંગ અને સત્તા વગરની ફરિયાદના આધારે તમામ 3 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી રોડ પર રહેતા બેચર છગનભાઈ લીંબાસીયાએ તેમની પત્ની રંજનબેન તથા તેના બનેવી રમેશ મોહનભાઈ પીપળીયા અને પિતરાઈ ભાઈ પરસોતમ હંસરાજભાઈ લુણાગરીયા સામે IPC ની કલમ 191, 114, 199, 107 અને 108 હેઠળ ફેમિલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. પત્નીએ કરેલી ભરણપોષણની અરજીમાં પતિએ બાળક પોતાનું ન હોવાની તકરાર ઉઠાવી DNA રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ બાળકના પિતા સાથે મેચ ન થતાં પત્નીએ કોર્ટમાં ખોટી હકીકતો અને નિવેદનો આપ્યા હોવાનો આક્ષેપ થયો હતો. આ મામલે ફેમિલી કોર્ટે માત્ર પત્ની સામે કાર્યવાહી કરવા અને અન્ય 2 આરોપીઓ સામેની કાર્યવાહી પડતી મુકવા હુકમ કર્યો હતો.
જોકે, ફેમિલી કોર્ટના હુકમ છતાં, રજિસ્ટ્રાર મારફતે ફરિયાદ દાખલ થવાને બદલે પતિ બેચરભાઈએ જાતે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી દીધો હતો. પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ થયા બાદ આ કેસ ચાલવા પર આવતા બચાવ પક્ષના વકીલો દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ કરવામાં આવી હતી કે ફેમિલી કોર્ટના હુકમની ઉપરવટ જઈને આરોપી નંબર 2 અને 3 ને ખોટી રીતે સંડોવી દેવાયા છે.
વધુમાં દલીલ કરાઈ હતી કે, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) ની કલમ 155(2) મુજબ કોર્ટની પરવાનગી વગર પોલીસે બારોબાર તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી દીધી છે. તેમજ કલમ 195 ની જોગવાઈ મુજબ કોર્ટ કે અધિકૃત અધિકારી દ્વારા લેખિત ફરિયાદ થવી જોઈએ, જેના બદલે આ કિસ્સામાં ખાનગી વ્યક્તિ દ્વારા ફરિયાદ થઈ છે, જે કાયદાકીય રીતે માન્ય નથી.
અદાલતે બંને પક્ષોની રજૂઆતો અને દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લઈ નોંધ્યું કે, પોલીસ તપાસ, નિવેદનો અને ચાર્જશીટ કાયદા મુજબ યોગ્ય નથી અને આ કાયદાકીય ખામીઓનો લાભ આરોપીઓને મળવાપાત્ર છે. આથી, સાક્ષીઓના પુરાવાનું વધુ મૂલ્યાંકન કર્યા વિના કોર્ટે ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી છોડી મુક્યા હતા. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા અને તેમની ટીમ રોકાઈ હતી.