દેતડીયા ગામે સોડા લેવા ગયેલા યુવાન પર હુમલો
સિટી ન્યૂઝ@રાજકોટ : કોટડાસાંગાણી તાલુકાના દેતડીયા ગામે પાનની દુકાને સોડા લેવા ગયેલા યુવાનને દુકાનદારે 'તારે અહીં આવવું નહીં' કહીને લાકડી વડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ સાંજના સમયે પણ દુકાનદાર સહિતના શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દેતડીયા ગામે રહેતા અને ખેતીકામ કરતા હરેશભાઈ ભીમભાઈ વાળા (ઉ.વ. 35) એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ કુલદીપ બદરૂ ધાધલ અને ભરત માણશી ધાધલના નામ આપ્યા છે.
સિવિલ હોસ્પિટલના બિછાનેથી સારવાર લઈ રહેલા ફરિયાદી હરેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 30/04/2026 ના રોજ બપોરે આશરે 4:30 વાગ્યે તેઓ ગામમાં આવેલી વલકુભાઈ કાથડભાઈ ધાધલની દુકાને સોડા લેવા ગયા હતા. તે સમયે દુકાને બેઠેલા કુલદીપ ધાધલ પાસે સોડા માંગતા તેણે કહ્યું હતું કે, "તું શું કામ અમારી દુકાને આવે છે, તને સોડા નથી આપવી, અહીંથી જતો રહે." હરેશભાઈએ મફત નહીં પરંતુ પૈસા દઈને સોડા લેવાની વાત કરતા કુલદીપ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડીને મારામારી કરી હતી. ત્યારબાદ સાંજના સમયે ફરી કુલદીપ અને ભરતભાઈએ ભેગા મળીને હરેશભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ખૂનની ધમકી આપી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા હરેશભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ બાદ બંને પક્ષો વચ્ચે ઘરમેળે સમાધાનની વાતચીત ચાલતી હતી, જોકે સમાધાન ન થતા આખરે હરેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.