Loading Please Wait !!!
કતારના ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 12 ભારતીયોના કરુણ મોત

  • 66 લોકો ઈજાગ્રસ્ત, 70 કિલોમીટર દૂર દોહા સુધી બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા
  • મેન્ટેનન્સ બાદ પ્લાન્ટ શરૂ થતા જ મોટી દુર્ઘટના, ભારતીય દૂતાવાસ એલર્ટ
  • કતારના ઊર્જા મંત્રીએ ભારે હૈયે દુઃખ વ્યક્ત કર્યું, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

સિટી ન્યુઝ @ દોહા

કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો છે. આ ગોઝારી દુર્ઘટનામાં 12 ભારતીયો અને 1 પાકિસ્તાની નાગરિક સહિત કુલ 13 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ પ્રચંડ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેના આંચકા 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયા હતા. દોહામાં ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઉઠતા સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

કતારના ઊર્જા મંત્રી અને કતાર એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને તેને એક ટેકનિકલ અકસ્માત ગણાવ્યો છે. તેમણે ભારે હૈયે મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે 13 નિર્દોષ લોકોના દુઃખદ અવસાનની જાહેરાત કરવી તેમના માટે અત્યંત કઠિન બાબત છે. સદનસીબે 66 ઈજાગ્રસ્તોમાંથી કોઈની સ્થિતિ જીવલેણ નથી અને તેમની સઘન સારવાર ચાલી રહી છે. આ ભયાનક ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દોહા સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરીને પ્રભાવિત ભારતીયો અને તેમના પરિવારોને તમામ સંભવિત મદદ પહોંચાડવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે આ ગેસ પ્લાન્ટ થોડા મહિના પહેલા ઈરાન યુદ્ધ દરમિયાન મિસાઈલ હુમલાનો શિકાર બન્યો હતો. હુમલા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા મોટા નુકસાનના કારણે ડિસેમ્બર 2025 થી આ પ્લાન્ટ મેન્ટેનન્સ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. નુકસાનમાંથી રિકવર થઈને દુર્ઘટનાના માત્ર 2 દિવસ પહેલા જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો અને આ મોટી હોનારત સર્જાઈ ગઈ. જોકે, ઊર્જા મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટનાથી પર્યાવરણને કોઈ નુકસાન નથી થયું અને કતારની વૈશ્વિક LNG નિકાસ કામગીરી અકબંધ છે.

ઔદ્યોગિક સલામતી પર ઉઠ્યા ગંભીર સવાલો

કતાર જેવા વિકસિત દેશના અત્યાધુનિક ગેસ પ્લાન્ટમાં બનેલી આ હોનારત ઔદ્યોગિક સલામતી સામે મોટા સવાલો ઉભા કરે છે. યુદ્ધના હુમલા બાદ લાંબા મેન્ટેનન્સ પછી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો, છતાં ટેકનિકલ ખામીએ 13 નિર્દોષ કામદારોના જીવ લીધા. આવી અત્યંત સંવેદનશીલ જગ્યાઓ પર શ્રમિકોની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરના સેફ્ટી પ્રોટોકોલનું 100 ટકા પાલન થાય તે સુનિશ્ચિત કરવું હવે અનિવાર્ય બની ગયું છે.