2011ના ભયાનક ભૂકંપે જાપાનની ભૌગોલિક સ્થિતિ જ બદલી નાખી
- 15 વર્ષ બાદ અમેરિકન વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો ખુલાસો, પૂર્વ દિશા તરફ 5 થી 6 મિલીમીટર ખસી ગયો દેશ
- પૃથ્વીના કેન્દ્ર સાથે ટકરાયેલા તરંગોએ ખડકોને ખસેડ્યા, જીપીએસ નેટવર્કના ડેટામાં મોટો ખુલાસો
- શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ 1200 જીપીએસ સ્ટેશનોના ડેટા પરથી રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો
સિટી ન્યુઝ @ ટોક્યો
વર્ષ 2011 માં જાપાને ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી હોનારતનો સામનો કર્યો હતો. માર્ચ મહિનામાં આવેલા 9 ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ અને સુનામીએ અંદાજે 20 હજાર લોકોના જીવ લીધા હતા. આ હૃદયદ્રાવક ઘટનાના લગભગ 15 વર્ષ બાદ વૈજ્ઞાનિકોએ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેણે સમગ્ર વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી ભૂકંપ માત્ર તબાહી જ નહોતો લાવ્યો, પરંતુ તેણે વૈશ્વિક નકશા પર જાપાન દેશ ભૌગોલિક રીતે જ્યાં સ્થિત છે તે જગ્યા જ બદલી નાખી હતી. આ ધરતીકંપના આંચકાના કારણે સમગ્ર જાપાન દેશ પૂર્વ દિશા તરફ 5 થી 6 મિલીમીટર જેટલો આગળ ખસી ગયો હતો.
અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના સંશોધકોએ સેટેલાઇટ નેટવર્ક અને જાપાનના પોતાના 'જીઓ નેટ' ના ડેટાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. જાપાન પાસે 1200 થી વધુ જીપીએસ (GPS) સ્ટેશનો ધરાવતું એક અત્યંત વિશાળ નેટવર્ક છે. વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે જાપાનના ઉત્તર-પૂર્વીય તટ પર આવેલા એ ભયાનક ભૂકંપના મુખ્ય ઝટકા પૂરા થયાના બરાબર 16 મિનિટ પછી, આખા દેશમાં લાગેલા તમામ જીપીએસ સ્ટેશનોએ એક સાથે નોંધ્યું કે આખો દેશ પૂર્વ દિશા તરફ સરકી રહ્યો છે. આ હલચલ સામાન્ય આફ્ટરશોક્સ જેવી બિલકુલ નહોતી, જેના કારણે વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી ભારે મૂંઝવણમાં રહ્યા હતા.
વર્ષોની સઘન તપાસ બાદ હવે વૈજ્ઞાનિકોએ આ અદભુત ઘટના પાછળનું અસલી કારણ શોધી કાઢ્યું છે. ભૂકંપ દરમિયાન પૃથ્વીની અંદર આવેલી ફોલ્ટ લાઇન પાસે રહેલા ખડકોના વિશાળ બ્લોક્સ અચાનક એકબીજાની આગળ સરકી ગયા હતા. આ પ્રક્રિયા દરમિયાન જે અતિ શક્તિશાળી ભૂકંપ તરંગો પેદા થઈ, તે પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી પ્રવાસ કરીને સીધી પૃથ્વીના કેન્દ્ર એટલે કે 'કોર' સાથે ટકરાઈ હતી. આ તરંગો કોર સાથે અથડાઈને જ્યારે ફરી પાછી સપાટી તરફ આવી, ત્યારે તેણે જાપાનની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટોની સરહદોને ફરીથી સક્રિય કરી દીધી. આ આંતરિક હલચલને કારણે જાપાન પૂર્વ તરફ શિફ્ટ થઈ ગયું. વૈજ્ઞાનિક ઇતિહાસમાં આ પ્રથમ ખુલાસો છે, જે ભવિષ્યમાં ભૂકંપના જોખમોનું સચોટ મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થશે.
પ્રકૃતિની અકલ્પનીય તાકાત અને નવો દ્રષ્ટિકોણ
પૃથ્વીના પેટાળમાં થતી હલચલ માત્ર સપાટી પર વિનાશ નથી વેરતી, પરંતુ દેશોના ભૌગોલિક નકશા અને સ્થાનો બદલવાની અદભુત તાકાત પણ ધરાવે છે. જાપાનના આ ઐતિહાસિક સંશોધને દુનિયાભરના વૈજ્ઞાનિકોને ભૂકંપના જોખમોનું નવા દ્રષ્ટિકોણથી મૂલ્યાંકન કરવાની દિશા ચીંધી છે, જે ભવિષ્યની આફતો માટેની સુરક્ષા વ્યવસ્થામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.