અમદાવાદમાં 'કાલુપુર' કનેક્ટિવિટી થશે હાઈટેક: રેલવે સ્ટેશન જતો રસ્તો 100 ફૂટનો કરાશે, 250 દુકાનોમાં કપાતની તૈયારી!
- ટ્રાફિકના ચક્કાજામમાંથી મળશે કાયમી મુક્તિ - મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે પૂર્ણ, દુકાનદારોને નોટિસ અપાશે
- તેલ બજાર, હજ હાઉસ અને ગેસ્ટ હાઉસની દુકાનોમાં તોડફોડની શક્યતા - રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટને પગલે લેવાયો નિર્ણય
- સારંગપુર પાણીની ટાંકીથી DCP ઓફિસ સુધીનો રસ્તો પણ થશે પહોળો - નિયમ મુજબ દુકાનદારોને અપાશે વળતર
અમદાવાદના સૌથી વ્યસ્ત અને ગીચ ગણાતા કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારના ટ્રાફિકની સમસ્યાનો હવે કાયમી અંત આવવા જઈ રહ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનનું વર્લ્ડ ક્લાસ રીડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં વધનારા વાહનોના ધસારાને પહોંચી વળવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કમર કસી છે. સ્ટેશનની આસપાસના મુખ્ય રસ્તાઓને 100 ફૂટ પહોળા કરવા માટેનો વિસ્તૃત સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
કયા રસ્તાઓ પહોળા થશે? મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટના જણાવ્યા મુજબ, કાલુપુર ચાર રસ્તાથી રેલવે સ્ટેશન સુધીનો જે 'ટ્રાએંગલ' વિસ્તાર છે તેને નાનો કરવામાં આવશે. આ ઉપરાંત પ્રેમ દરવાજાથી ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધીના રોડને પણ 100 ફૂટનો કરવામાં આવશે. સારંગપુર પાણીની ટાંકીથી કાલુપુર રેલવે સ્ટેશન સામેની ડીસીપી ઓફિસ સુધીનો રસ્તો પણ આ યોજનાનો ભાગ છે.
દુકાનદારો અને મિલકતધારકો પર અસર આ પ્રોજેક્ટને કારણે કાલુપુર વિસ્તારની અંદાજે 250 થી વધુ દુકાનોમાં 20 ફૂટ જેટલી કપાત થવાની શક્યતા છે. તેલ બજાર, ગુજરાત હજ હાઉસની લાઈન, રેસ્ટોરન્ટ્સ અને ગેસ્ટ હાઉસ સહિતની મિલકતો આ સર્વેમાં આવરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં જ અસરગ્રસ્ત મિલકતોને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે મિલકતો કપાતમાં જશે તેમને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.
ટ્રાફિક મુક્ત કાલુપુરનું વિઝન કાલુપુર એ શહેરનું હૃદય ગણાય છે અને અહીં રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને એસટી બસની કનેક્ટિવિટી હોવાથી ટ્રાફિકનું ભારણ સતત રહે છે. રસ્તાઓ પહોળા થવાથી મુસાફરોને સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે અને કલાકો સુધી જામમાં ફસાવવું નહીં પડે. આ કામગીરીને પગલે સ્થાનિક વેપારીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા માટે આ પગલું અનિવાર્ય માનવામાં આવી રહ્યું છે.