Loading Please Wait !!!
"જંગલેશ્વરમાં 1500 મકાનો તોડ્યા પણ રસ્તો બનાવવાનું તંત્ર ભૂલ્યું? ડિમોલિશનના એક મહિના બાદ પણ ઠેરના ઠેર"

  • કાગળ પરના વિકાસ અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતર - આજી નદીના પટમાં કાટમાળના ઢગલાથી જનતા પરેશાન
  • ટી.પી. શાખા અને બાંધકામ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ - મ્યુનિસિપલ કમિશનરના વાયદાઓ પોકળ સાબિત થયા
  • કાટમાળ હટાવવામાં પણ ઈસ્ટ ઝોન વિભાગ નિષ્ફળ - રિવરફ્રન્ટ અને ગાર્ડનના સપના રોળાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીના રોજ જે 'ઐતિહાસિક' ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, તે અત્યારે તંત્રની નિષ્ક્રિયતાને કારણે ટીકાપાત્ર બન્યું છે. આજી નદીના પટ અને ટી.પી. રોડને ખુલ્લો કરવા માટે અંદાજે 1500 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તે સમયે મનપાના ઉચ્ચ અધિકારીઓએ મોટા દાવા કર્યા હતા કે આ વિસ્તારનો રિવરફ્રન્ટ જેવો વિકાસ થશે અને રસ્તાઓ પહોળા કરાશે. પરંતુ આજે એક મહિનો વીતી ગયો હોવા છતાં, સ્થિતિમાં રતિભરનો સુધારો થયો નથી.

વાસ્તવિક સ્થિતિ એવી છે કે ઈસ્ટ ઝોનનું બાંધકામ વિભાગ અને ટી.પી. શાખા એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. સંકલનના અભાવે રસ્તા બનાવવાની દરખાસ્તો માત્ર ફાઈલોમાં જ દબાયેલી છે. ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ પણ આ મામલે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપી શકતા નથી. પરિણામે, જે રસ્તાઓ પર વાહનો દોડવા જોઈએ ત્યાં અત્યારે ધૂળની ડમરીઓ અને પથ્થરોના ઢગલા જોવા મળી રહ્યા છે.

સૌથી ગંભીર ચિંતા એ છે કે ખાલી કરાયેલી કિંમતી જમીન પર ફરીથી દબાણો શરૂ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ જગ્યાને સુરક્ષિત કરવા માટે કોઈ ફેન્સિંગ કે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી નથી. જો થોડા વધુ દિવસો વિલંબ થશે, તો જે હેતુ માટે ગરીબોના આશિયાના તોડવામાં આવ્યા હતા, તે હેતુ જ માર્યો જશે અને ફરીથી ત્યાં ગેરકાયદે બાંધકામો ખડકાઈ જશે. આજી નદીના પટમાં પડેલો કાટમાળ પણ હટાવવામાં ન આવતા તે ગંદકીનું ઘર બની રહ્યો છે.

રાજકોટની જનતા હવે સવાલ ઉઠાવી રહી છે કે જો તંત્ર પાસે વિકાસનું કોઈ નક્કર આયોજન નહોતું, તો ઉતાવળે આટલું મોટું ડિમોલિશન શા માટે કરવામાં આવ્યું? જંગલેશ્વરના રહેવાસીઓ અત્યારે ખંઢેર જેવી હાલતમાં રહેવા મજબૂર બન્યા છે. હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કમિશનર આ મામલે ક્યારે જાગે છે અને ક્યારે જંગલેશ્વરના રસ્તાઓ પર ડામર પથરાય છે.