ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવ વચ્ચે ઈરાનનો કડક સંદેશ: હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો યથાવત રહેશે!
-
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલી દેવાની અહેવાલોને અફવા ગણાવ્યા છે.
-
જહાજોને માત્ર આઈઆરજીસી નેવીની મંજૂરી મેળવ્યા પછી જ પસાર થવાની પરવાનગી મળશે.
-
ઈરાનના સંરક્ષણ મંત્રીએ દેશ 'ન તો હેરાન છે અને ન તો પેસિવ' હોવાનું જણાવ્યું છે.
સિટી ન્યુઝ @ તેહરાન
તેહરાન, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર નવા હુમલા રોકવા અને યુદ્ધ પૂરું કરવાના પ્રસ્તાવ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાને એ અહેવાલોને સંપૂર્ણપણે અફવા ગણાવ્યા છે જેમાં હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક અને સંપૂર્ણપણે ખોલી દેવાની વાત કહેવામાં આવી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અમેરિકાની સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના પ્રતિબંધો લાગુ જ રહેશે અને અમારી મંજૂરી વગર એકપણ જહાજ આગળ નહીં જાય.
ઈરાન તરફથી જણાવવામાં આવ્યું છે કે દરિયાઈ જહાજોને માત્ર નક્કી કરાયેલા રસ્તાઓ પરથી અને આઈઆરજીસી નેવીની મંજૂરી મેળવ્યા પછી જ પસાર થવાની પરવાનગી આપવામાં આવશે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકી સેનાને ઈરાન પર નવા હુમલા રોકવાનો આદેશ આપશે અને મધ્ય પૂર્વના સહયોગી દેશો યુદ્ધનો અંત લાવવા માટે સમજૂતીની નજીક પહોંચી ગયા છે. જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલવો અને પરમાણુ ખતરાનો અંત લાવવો સામેલ છે.
ટ્રમ્પની આ જાહેરાત બાદ ઈરાનના સંરક્ષણ મંત્રીએ પલટવાર કરતા લખ્યું હતું કે તેમનો દેશ 'ન તો હેરાન છે અને ન તો પેસિવ' તેમજ અમેરિકા તરફથી મળતા ખતરાઓને ધ્યાનમાં રાખીને ઈરાન સતત એલર્ટ મોડ પર છે. મધ્યસ્થતાની કોશિશ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવમાં બંને દેશો વચ્ચે ફરી શાંતિ વાટાઘાટો શરૂ કરવાની વાત છે.
જો આ યુદ્ધવિરામ કરાર સફળ થાય છે તો બદલામાં અમેરિકા ઈરાન પરથી પોતાની નૌકાદળની નાકાબંધી હટાવી લેશે અને તેહરાનને તેલ નિકાસ કરવાની મંજૂરી આપશે. જોકે, અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હજુ સુધી કોઈ સત્તાવાર કરાર થયો નથી અને મધ્યસ્થતાના પ્રયાસો હાલ ચાલુ છે.
આ વૈશ્વિક તણાવ વચ્ચે સમગ્ર મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસો પર આખી દુનિયાની નજર ટકેલી છે, જે આગામી સમયમાં વૈશ્વિક અર્થતંત્ર અને તેલ બજારને સીધી અસર કરશે.