Loading Please Wait !!!
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો આક્રમક મિજાજ: ચેતવણીની અવગણના કરનાર 3 ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવ્યા!

 

  • ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે હોર્મુઝ વોટરવેમાં ચેતવણી ન માનનારા 3 ઓઇલ ટેન્કરોને રોકી લીધા છે.

  • અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિમાંથી નુકસાન પામેલા જહાજોને વળતર આપવાની જાહેરાત કરી હતી.

  • ઈરાની સૈન્ય પ્રવક્તાએ આ પ્રસ્તાવને ગેરકાયદેસર ગણાવીને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે.

સિટી ન્યુઝ @ તેહરાન

તેહરાન, અમેરિકા અને ઈરાન વચ્ચેનો વિવાદ અને મધ્ય પૂર્વમાં સર્જાયેલો તણાવ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે સવારે સામે આવેલા અહેવાલ મુજબ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી પોતાનો આક્રમક મિજાજ બતાવ્યો છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે હોર્મુઝ માર્ગ પર મળેલી ચેતવણીને નજરઅંદાજ કરનારા ૩ ઓઇલ ટેન્કરોને ઘેરીને અટકાવી દીધા છે. ઈરાની સરકારી ટીવીના માધ્યમથી આ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

મહત્ત્વનું છે કે ઈરાનનું આ પગલું તેની જ એક કડક ચેતવણીના થોડા કલાકો બાદ જ સામે આવ્યું છે. ઈરાને દુનિયાભરના દેશો અને શિપિંગ કંપનીઓને હોર્મુઝ વોટરવે અંગે ખુલ્લી ચિમકી આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ દેશ કે કંપની અમેરિકા દ્વારા જપ્ત કરવામાં આવેલી ઈરાનની સંપત્તિનો ઉપયોગ કરશે, તો તેના જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા દેવામાં આવશે નહીં. ઈરાનના ટોચના સૈન્ય કમાન્ડ હેડક્વાર્ટર દ્વારા આ આકરી ચેતવણી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિર્ણયના જવાબમાં આપવામાં આવી હતી.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે ઈરાન સાથેના સંઘર્ષ દરમિયાન જે જહાજોને નુકસાન પહોંચ્યું છે, તેમને અમેરિકા દ્વારા જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિમાંથી વળતર આપવામાં આવશે. ટ્રમ્પના આ નિર્ણયથી ઈરાન ભારે રોષે ભરાયું છે. ઈરાની સૈન્ય કમાન્ડના પ્રવક્તા ઈબ્રાહિમ ઝુલ્ફિકારીએ અમેરિકન પ્રમુખના આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ પગલું ગેરકાયદેસર છે અને તેના ગંભીર પરિણામો આવશે.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર શિપિંગ અને વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઈન સામે પણ જોખમ ઊભું થયું છે. ઈરાનની આ કઠોર નીતિને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સતર્ક બની ગયો છે અને આગામી દિવસોમાં આ તણાવ વધુ વકરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

દરિયાઈ સુરક્ષા અને વૈશ્વિક અર્થતંત્ર માટે આ માર્ગ અત્યંત સંવેદનશીલ હોવાથી તમામ દેશો સ્થિતિ પરી નજર રાખી રહ્યા છે. જો આ વિવાદનો કોઈ કૂટનીતિક ઉકેલ નહીં આવે તો તે વૈશ્વિક સ્તરે મોટા આર્થિક પ્રવાહોને પ્રભાવિત કરી શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ ટ્રાન્ઝિટ રૂટ છે, જ્યાંથી વૈશ્વિક સ્તરે મોટા પ્રમાણમાં ઓઇલની હેરાફેરી થાય છે અને આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડે છે.