Loading Please Wait !!!
મિડલ ઈસ્ટ સંઘર્ષ વણસ્યો: ઈજિપ્તના ડામિએટા પોર્ટ પર અમેરિકન ગેસ ટેન્કર પર ડ્રોન હુમલો!

  • બ્રિટિશ સિક્યુરિટી ફર્મ 'એમ્બ્રે' દ્વારા ડ્રોન હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે.

  • સદ્નસીબે તમામ નાવિકોને સુરક્ષિત બહાર કડાતા કોઈ જાનહાની થઈ નથી.

  • એફએસઆરયુ (FSRU) પ્રકારના આ ટેન્કરની ક્ષમતા ૧.૩૮ લાખ ઘન મીટરથી વધુ છે.


સિટી ન્યુઝ @ કેરો

કેરો, મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે એક નવો અને અત્યંત ખતરનાક વળાંક લઈ રહ્યો છે. અત્યાર સુધી ફારસની ખાડી સુધી સીમિત રહેલો આ સંઘર્ષ હવે ભૂમધ્ય સાગર અને ઈજિપ્તના મુખ્ય ઊર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યો છે. બુધવારે ઈજિપ્તના ડામિએટા પોર્ટ પર ઊભેલા અમેરિકન માલિકીના 'એનર્જોસ વિન્ટર' નામના ફ્લોટિંગ સ્ટોરેજ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભયાનક વિસ્ફોટ થયો હતો અને વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગ નજીકના અન્ય એલએનજી વાહક અને ટગબોટ સુધી ફેલાઈ હતી, પરંતુ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો અને તમામ નાવિકો સુરક્ષિત બચાવી લેવાયા હતા.

આ ઘટના બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરીથી કડક સૈન્ય કાર્યવાહી કરવાની અને ભારે ટેરિફ લાદવાની ખુલ્લી ધમકી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન પર ખૂબ જ જોરદાર પ્રહાર કરશે. બીજી તરફ, આ ઘટના અગાઉ અમેરિકા અને સાઉદી અરેબિયાએ ઈરાક સ્થિત ઈરાન સમર્થિત પીએમએફ (PMF) ના ઠેકાણાઓ પર સંયુક્ત એરસ્ટ્રાઈક કરી હતી, જ્યારે ઈરાને પણ જોર્ડનમાં અમેરિકન સૈન્ય બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો દાગી હોવાનો દાવો કર્યો છે. આ વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે.

વૈશ્વિક ઊર્જા સુરક્ષા

મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો અને ઊર્જા કેન્દ્રો પર થતા હુમલાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સપ્લાય ચેઈન માટે ગંભીર આર્થિક કટોકટી સર્જી શકે છે.