Loading Please Wait !!!
લાલ સમુદ્રમાં યમન કિનારા નજીક ભારતીય ધ્વજવાળા માલવાહક જહાજ પર મિસાઈલ હુમલો!

 

  • કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલે તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.

  • ડીજીએમએને ભારતીય ખલાસીઓની સુરક્ષા વધારવા અને સહાયનો નિર્દેશ અપાયો છે.

  • રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, લાલ સમુદ્ર (Red Sea) માં યમન કિનારા નજીક એક ભારતીય ધ્વજ ધરાવતાં માલવાહક જહાજ પર અજ્ઞાત દિશામાંથી મિસાઈલ અથવા પ્રોજેક્ટાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે આ જહાજ સમુદ્રમાં પલટી મારીને ડૂબી ગયું હતું. 'એમએસવી ફેઝ નૂરે ઓલિયા' નામનાં આ જહાજ પર કુલ ૧૪ ક્રૂ સભ્યો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ યમન કોસ્ટ ગાર્ડે ત્વરિત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી યમનના મોખા બંદર પર પહોંચાડ્યા હતા.

આ ડૂબેલા જહાજ પર સવાર ક્રૂ સભ્યોમાં ૧૩ ભારતીય નાગરિકો અને ૧ વિદેશી નાગરિકનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય બંદર અને જહાજ પરિવહન મંત્રી સરબાનંદ સોનોવાલે આ અંગે રાહત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જહાજ પરના તમામ ૧૪ ખલાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. સાથે જ તેમણે ડાયરેક્ટર જનરલ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) ને આ વિસ્તારમાં ભારતીય ખલાસીઓની સુરક્ષા વધારવા અને બચાવવામાં આવેલા ક્રૂને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે સખત વિરોધ નોંધાવ્યો છે અને નિરપરાધ તથા અસુરક્ષિત નાગરિક જહાજ પર થયેલા આ હુમલાને 'બિનઉશ્કેરણીજનક' ગણાવ્યો છે. રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ યમનની સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારત સરકારે આ મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરવા બદલ યમનની સરકાર અને તેમના કોસ્ટ ગાર્ડનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે લાલ સમુદ્ર અને બાબ અલ-મંદેબની સામુદ્રધુની એશિયા અને યુરોપ વચ્ચેના વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જ્યાં અગાઉથી જ હુથી વિદ્રોહીઓના હુમલાઓને કારણે સુરક્ષા જોખમાઈ છે.