વર્ષ 1993 ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસ દાઉદ ઈબ્રાહીમ ગેંગના 12 સાગ્રીતો દોષિત
સિટી ન્યૂઝ@જામનગર : બાબરી ધ્વંશનો બદલો લેવા જામનગરના ગોસાબારા બંદર પર હથિયારો અને વિસ્ફોટકો સપ્લાય કરવાના 33 વર્ષ જૂના ચકચારી કેસમાં સ્પેશિયલ ટાડા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે દાઉદ ઈબ્રાહીમ ગેંગના 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે 17 ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે.
ડિસેમ્બર 1992 માં દેશમાં અરાજકતા ફેલાવવા દાઉદ ઇબ્રાહિમ અને મુસ્તફા ડોસા ગેંગ દ્વારા દરિયાઈ માર્ગે 'સદા અલ બહાર' બોટ મારફતે AK-47 રાઈફલ, હેન્ડ ગ્રેનેડ અને RDX નો મોટો જથ્થો જામનગરના બેડી અને ગોસાબારા બંદર પર ઉતારાયો હતો. આ હથિયારો ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સપ્લાય કરાયા હતા.
1993 થી 2018 સુધી ચાલેલી તપાસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર તુષાર ગોકાણીએ માત્ર 4 વર્ષની ટ્રાયલમાં 63 સાક્ષીઓ તપાસીને કેસ સફળતાપૂર્વક પુરવાર કર્યો હતો. આ કેસના કુલ 46 આરોપીઓમાંથી 11 ના મોત નિપજ્યા છે, જ્યારે દાઉદ ઇબ્રાહિમ અને ટાઈગર મેમણ સહિત 15 હજુ પણ ફરાર છે. કોર્ટે જે 12 શખ્સોને દોષિત ઠેરવ્યા છે તેમાં ઓસ્માણ કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંઘાર અને આરીફ લંબુ સહિતના સાગરીતોનો સમાવેશ થાય છે.
ડેઝીગ્નેટેડ જજ આર. પી. મોગેરાના આ ચુકાદાથી 33 વર્ષ લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળ્યો છે. હાલ કોર્ટમાં સજાના આદેશ અંગે દલીલો ચાલી રહી છે.