ગીરના 350થી વધુ સિંહોનું વેક્સિનેશન અને ડી-ટીકિંગ યુદ્ધના ધોરણે શરૂ
=> સિંહબાળના મોત બાદ વન તંત્ર એક્શન મોડમાં; ૧૭ સિંહો આઇસોલેશન હેઠળ સુરક્ષિત
=> ૧૦ કિમી ત્રિજ્યામાં સઘન મોનિટરિંગ અને જૂનાગઢ વેટરનરી કોલેજના તબીબો દ્વારા રાઉન્ડ ધ ક્લોક હેલ્થ ચેકઅપ
સિટી ન્યૂઝ@રાજકોટ
ગીરના જંગલ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ૪ સિંહ બાળના અકાળે મૃત્યુની ઘટનાને પગલે રાજ્ય સરકાર ભારે હરકતમાં આવી છે. અત્યારે વન વિભાગ દ્વારા ગીરના ૩૫૦થી વધુ સિંહોનું વેક્સિનેશન અને ડી-ટીકિંગ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સિંહ બાળના મૃત્યુ અંગેની તલસ્પર્શી અને વિગતવાર માહિતી મેળવી હતી. સિંહોના આરોગ્ય અને સંરક્ષણ માટે વન વિભાગને અત્યંત સતર્ક રહીને કડક પગલાં ભરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. આ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે વન વિભાગ દ્વારા ગીર વિસ્તારમાં સિંહોના વેક્સિનેશન (રસીકરણ) તેમજ સીઝનલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપતી ડી-ટીકિંગ (જીવાત નાબૂદી) ની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડો. વિનોદ રાવે ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ગીરના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૪ સિંહ બાળના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટના બાદ ત્વરિત પગલાં રૂપે વન વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારના કુલ ૧૭ જેટલા સિંહોને આઇસોલેટ (અલગ) કરી દેવામાં આવ્યા છે અને વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ તેમની વિશેષ કાળજી અને સારવાર રાખવામાં આવી રહી છે.
ગીર ગઢડા અને બાબરીયા વિસ્તારના ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ સિંહોનું વન વિભાગની વિશેષ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આ વિસ્તારના અન્ય કોઈ સિંહોમાં કોઈ પણ પ્રકારની બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી. ઉનાળાની શરૂઆતમાં વન્યજીવોમાં જોવા મળતી સીઝનલ (ઋતુગત) બીમારીઓ સામે સલામતીના આગોતરા ભાગ રૂપે ગીર વિસ્તારના ૩૫૦ થી વધુ સિંહોના ડી-ટીકિંગ (શરીર પરની ઇતરડી-જીવાત દૂર કરવાની પ્રક્રિયા) અને અન્ય આરોગ્યલક્ષી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. ગીરના મુખ્ય જંગલ ઉપરાંત અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારો (રેવન્યુ એરિયા) માં મુક્તપણે વિહરતા તમામ સિંહો પર વન વિભાગ દ્વારા સઘન નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે, જેનો દૈનિક પ્રગતિ અહેવાલ પણ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવે છે.