Loading Please Wait !!!
અજય મોદી ટ્રાવેલ્સના નામે મોટું સ્કેમ: કસ્ટમર QR કોડ સ્કેન કરે અને રૂપિયા સીધા મહિલાના ખાતામાં!

  • હાઈટેક છેતરપિંડીનો પર્દાફાશ - ગાંધીનગરની મહિલાએ એજન્સી સાથે ₹33.87 લાખની ઠગાઈ કરી
  • ઉન્નતિ પટેલ નામની મહિલાએ બેંક સેટિંગ કરી આચર્યું કૌભાંડ - સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • કમિશન બેઝ પર કામ કરતી મહિલાએ વિશ્વાસઘાત કર્યો - રિફંડ માંગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું

અમદાવાદની પ્રતિષ્ઠિત ટ્રાવેલ એજન્સી 'અજય મોદી ટ્રાવેલ્સ' સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એજન્સી સાથે કમિશન બેઝ પર કામ કરતી ગાંધીનગરની એક મહિલાએ ગ્રાહકોના નાણાં કંપનીને બદલે પોતાના અંગત ખાતામાં ડાયવર્ટ કરી ₹33.87 લાખનો ચૂનો લગાવ્યો છે. આ મામલે એજન્સીના માલિક આલાપભાઈ મોદીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કઈ રીતે આચર્યું કૌભાંડ? ફરિયાદ મુજબ, આરોપી મહિલા ઉન્નતિ પટેલે ગાંધીનગરના કુડાસણમાં એક્સિસ બેંકમાં 'ઉન્નતિ એન્ટરપ્રાઈઝ' ના નામે ખાતું ખોલાવ્યું હતું. તેણે આ બેંકના QR કોડમાં ટેકનિકલ ગોઠવણ એવી રીતે કરી હતી કે જ્યારે કોઈ કસ્ટમર પેમેન્ટ કરવા માટે તેને સ્કેન કરે, ત્યારે ડિસ્પ્લે પર 'અજય મોદી ટ્રાવેલ્સ' નામ જ દેખાતું હતું. ગ્રાહકોને એમ જ લાગતું કે તેઓ કંપનીને પેમેન્ટ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ નાણાં ઉન્નતિના અંગત ખાતામાં જમા થઈ રહ્યા હતા.

રિફંડની માંગણી વખતે થયો પર્દાફાશ છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વાસ કેળવીને કામ કરતી ઉન્નતિનું આ પાપ ત્યારે છાપરે ચડીને પોકાર્યું જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ થઈ. ગ્રાહકોએ જ્યારે અજય મોદી ટ્રાવેલ્સના મુખ્ય કાર્યાલય પર સંપર્ક કરી રિફંડની માંગણી કરી, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે આ બુકિંગના રૂપિયા કંપનીના સત્તાવાર ખાતામાં ક્યારેય જમા થયા જ નહોતા. આંતરિક તપાસમાં ઉન્નતિ પટેલના બેંક ખાતાની વિગતો અને બનાવટી QR કોડનું સત્ય સામે આવ્યું હતું.

કંપનીના માલિક આલાપ મોદીએ જણાવ્યું હતું કે, ગ્રાહકોનો વિશ્વાસ અને કંપનીની શાખ જાળવી રાખવા માટે તેમણે છેતરાયેલા ગ્રાહકોને પોતાના ખિસ્સામાંથી લાખો રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે. હાલમાં પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ઉન્નતિ પટેલની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે ગ્રાહકોને સાવચેત રહેવા માટે લાલબત્તી ધરી છે.