Loading Please Wait !!!
ગેરકાયદે સિંહદર્શનનું એપીસેન્ટર: લુવારીયામાં માનવીય ભૂલથી ૨૧ વર્ષના યુવકનો ભોગ

  • સરકારી ચોકીથી માત્ર ૫૦૦ મીટર દૂર થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલ
  • સિંહોની મેટિંગ પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવી પડી જીવલેણ, વન વિભાગની તપાસ તેજ
  • વન વિભાગની કાનૂની મર્યાદાનો લાભ ઉઠાવી લોકો સિંહોની પ્રાઈવસી સાથે કરે છે ચેડાં

સિટી ન્યુઝ @ અમરેલી

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળિયા ગામ નજીક બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દીધા છે. લુવારીયા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શન કરવા ગયેલા ત્રણ યુવકો પર નર સિંહે હુમલો કરતા ૨૧ વર્ષના સોહિલ મેમણનું કરુણ મોત નીપજ્યું હતું. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ એનાલિસિસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ વિસ્તાર વન વિભાગની ચોકીથી માત્ર ૫૦૦ મીટરના અંતરે હોવા છતાં, અહીં લાંબા સમયથી ગેરકાયદે 'સિંહદર્શનનું એપીસેન્ટર' ચાલી રહ્યું હતું.

હુમલો કરનાર નર સિંહ, જે સ્થાનિકોમાં 'ભગત' તરીકે ઓળખાતો હતો, તે પોતાની આક્રમકતા માટે જાણીતો હતો. ચોમાસાની સીઝનમાં સિંહોના મેટિંગ પિરિયડ દરમિયાન, જ્યારે સફારી અને જંગલ પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, ત્યારે પણ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવાના મોહમાં કેટલાક લોકો નિયમોને નેવે મૂકીને સિંહની અત્યંત નજીક પહોંચી જતા હતા. વન વિભાગે મૃતક યુવકોના મોબાઈલ FSL માં મોકલ્યા છે, કારણ કે અન્ય યુવકોએ ડેટા ફોર્મેટ મારી દીધો હોવાથી તેઓ હુમલા પહેલા સિંહના વીડિયો ઉતારતા હોવાની પ્રબળ આશંકા છે.

આ ઘટના અંગે વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, વન્યજીવોની પ્રાઈવસીનો ભંગ જીવલેણ નીવડી શકે છે અને આ મામલે કડક દાખલો બેસાડવામાં આવશે. સ્થાનિક લોકો કાનૂની કાર્યવાહીના ડરે મૌન સેવી રહ્યા છે, પરંતુ સિંહપ્રેમીઓ માને છે કે આ દોષ સિંહનો નહીં, પણ માનવીય વિકૃતિનો છે. ગીરના જંગલોમાં વધી રહેલા માનવ-સિંહ સંઘર્ષને રોકવા માટે હવે માત્ર જાગૃતિ જ નહીં, પરંતુ ગેરકાયદેસર સિંહદર્શન કરાવનારા તત્વો સામે કાયદાકીય શિસ્તની પણ તાતી જરૂર છે.