મોરબીમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનું સંમેલન: ગ્રેડ પે અને પેન્શનના મુદ્દે આક્રોશ
- વિવિધ માંગણીઓ સાથે શિક્ષકોએ સરકાર સમક્ષ લડી લેવાનો કર્યો હુંકાર
- 4200 ગ્રેડ પે અને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા કરાઈ માંગ
- મોરબીમાં યોજાયેલ સંમેલનમાં એકતા બતાવી જલદ કાર્યક્રમો આપવાની ચીમકી
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીની સતવારા સમાજ વાડી ખાતે જિલ્લાભરના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનું એક વિશાળ સંમેલન યોજાયું હતું, જેમાં શિક્ષકોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં મુખ્યત્વે અન્ય રાજ્યોની જેમ લાયકાત મુજબ 4200 ગ્રેડ પે આપવા અને વર્ષ 2005 પછીના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સંગઠિત થઈને હવે આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર સમક્ષ જલદ કાર્યક્રમો આપવામાં આવશે.
સંમેલન દરમિયાન શિષ્યવૃત્તિમાં રહેલી વિસંગતતા પણ મુખ્ય મુદ્દો બની હતી. CET મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ લેવા પર 20,000 રૂપિયા અને સરકારી શાળામાં પ્રવેશ લેવા પર માત્ર 5,000 રૂપિયા મળતા હોવાથી વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ તરફ વળે છે. શિક્ષકોએ રજૂઆત કરી હતી કે આ તફાવતને કારણે ધોરણ 6 થી 8 ના શિક્ષકો ઓવર-સેટઅપ થઈ જાય છે અને તેમને ફરજિયાત જિલ્લા બહાર જવાની સ્થિતિનો સામનો કરવો પડે છે. આ નીતિમાં ફેરફાર કરવાની માંગ શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.
શૈક્ષિક મહાસંઘ અને શિક્ષક સંઘના આગેવાનો દિનેશભાઈ વડસોલા, પ્રફુલ્લભાઈ નાયકપરા, પ્રવિણભાઇ ધોળુ અને દિનેશભાઈ હુંબલે સંમેલનમાં ઉપસ્થિત શિક્ષકોને એકતા જાળવી રાખવા હાકલ કરી હતી. ભૂતકાળમાં વિવિધ આંદોલનોમાં સફળતા મળી હોવાનો ઉલ્લેખ કરી આગેવાનોએ વર્તમાન પ્રશ્નોના નિરાકરણ માટે પ્રાંત ટીમ સાથે પરામર્શ કરીને સરકાર સુધી આ માંગણીઓ પહોંચાડવાની ખાતરી આપી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા શિક્ષકોએ પોતાના હકો માટે લડી લેવાની તૈયારી દર્શાવી હતી.