ભારત-અમેરિકા FTA સામે ખેડૂતોનો આક્રમક વિરોધ: દિલ્હી કૂચ માટે શંભુ બોર્ડર પર એકઠા થયા હજારો ખેડૂતો
- ગુરનામ સિંહ ચઢૂનીની અટકાયતથી વાતાવરણ ગરમાયું, સુરક્ષા માટે કલમ 163 લાગુ કરી બેરિકેડ્સ ગોઠવાયા
- ભારતીય ખેતી અને ડેરી ઉદ્યોગને નુકસાન થવાની આશંકા, શંભુ બોર્ડર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
- સરવણ સિંહ પંઢેર સહિતના દિગ્ગજ નેતાઓ જોડાઈ રહ્યા છે, માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારત અને અમેરિકા વચ્ચે થનારા પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સામે દેશના ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. આ કરારને તુરંત રદ કરવાની માંગ સાથે 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર પંજાબના હજારો ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે શંભુ બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. આ આંદોલનને વેગ આપવા માટે દિલ્હીમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા જઈ રહેલા ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીની હરિયાણા પોલીસે અટકાયત કરી લેતા વાતાવરણ વધુ ગરમાયું છે.
ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રસ્તાઓ પર બેરિકેડ્સ લગાવીને વાહનોની અવરજવર બંધ કરાઈ છે અને કોઈપણ અશાંતિને રોકવા માટે પોલીસ દળ એન્ટી-રાયટ ગિયર સાથે તહેનાત છે. અમૃતસર અને ગુરદાસપુર તરફથી ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચવા માટે તૈયાર થઈ રહ્યો છે, જ્યારે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના નેતા સરવણ સિંહ પંઢેર સહિતના દિગ્ગજ નેતાઓ પણ સ્થળ પર પહોંચી રહ્યા છે.
ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલી બનશે, તો તેની સીધી અને ગંભીર અસર ભારતીય ખેતી, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ વિસ્તારના લોકોની આજીવિકા પર પડશે. વિદેશી કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં આવવાથી સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. ખેડૂત સંગઠનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પર ધ્યાન નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.