મોરબીની મયુર હોસ્પિટલમાં આધુનિક ડાયાલિસિસ સેન્ટર શરૂ: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ કર્યું લોકાર્પણ
-
વાંકાનેરના મહારાજા અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
-
અગાઉ સિમ્પોલો પરિવારના સહયોગથી 6 મશીન કાર્યરત હતા, હવે વધુ 8 મશીન ઉમેરાયા
-
મોરબીના રાજવી પરિવાર અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના સંયુક્ત સહયોગથી સેવાયજ્ઞ
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે આવેલી મયુર ફાઉન્ડેશન સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના રાજવી પરિવારના આર્થિક સહયોગ અને રાજકોટની જાણીતી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના ટેકનિકલ સહયોગથી સ્વ. મહારાજા કુમારી હર્ષદદેવી ઓફ મોરબીની પવિત્ર સ્મૃતિમાં આ લોકઉપયોગી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
અગાઉ મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો પરિવારના સહયોગથી 6 મશીન સાથે કિડની ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ 6 મશીન સતત 3 શિફ્ટમાં ચાલતા હોવા છતાં દર્દીઓની વધતી સંખ્યાને કારણે વધારાના મશીનોની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જેને ધ્યાને રાખીને રાજવી પરિવારે આગળ આવીને વધુ 8 મશીનો વસાવવા માટે સંપૂર્ણ આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે.
આ સુવિધા શરૂ થતાં હવે મયુર હોસ્પિટલમાં એક સાથે કુલ 14 ડાયાલિસિસ મશીન કાર્યરત થઈ ગયા છે. આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન વાંકાનેરના મહારાજા તથા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજા કુમારી રૂક્ષ્મણીદેવી, ઉમાદેવી, સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ મંત્રી મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયા અને સંઘચાલક ડો. જયંતી ભાડેશિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ મોરબી રાજવી પરિવારની સેવાકીય પરંપરાને બિરદાવી હતી. મચ્છુ જળ હોનારત, 2001 નો વિનાશક ભૂકંપ કે ઝૂલતા પુલની દુર્ઘટના જેવી વિપત્તિઓમાં રાજવી પરિવારે હંમેશા નગરજનોને પોતાના પરિવારજન ગણીને આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉદાર હાથે સહાય આપી હોવાનું યાદ કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને મયુર ફાઉન્ડેશનની તબીબી ટીમોના સંકલનથી કાર્યરત થયેલા આ 14 મશીનો થકી મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય પંથકના સામાન્ય અને મધ્યમ વર્ગના કિડનીના દર્દીઓને ઘરઆંગણે અત્યંત રાહતદરે ગુણવત્તાયુક્ત સારવાર મળી રહેશે.
મોરબીમાં 14 મશીન સાથે ડાયાલિસિસ સેન્ટર શરૂ
મોરબીની મયુર હોસ્પિટલમાં રાજવી પરિવાર અને બી.ટી. સવાણી હોસ્પિટલના સહયોગથી સ્વ. હર્ષદદેવીની સ્મૃતિમાં નવા ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે કરાયું હતું. હોસ્પિટલમાં વધુ 8 મશીનો ઉમેરાતા હવે કુલ 14 મશીનો કાર્યરત થયા છે, જેનાથી સ્થાનિક કિડનીના દર્દીઓને સરળતાથી સારવાર મળશે.