Loading Please Wait !!!
"ધામતવાણ પંચાયતમાં ₹1.55 કરોડનું 'માટી પુરાણ': ભાજપ કાર્યકરની પત્ની અને પૂર્વ સરપંચ વિરુદ્ધ ACBની લાલ આંખ"

 

  • વગર ઠરાવે લાખોના ખર્ચા ઉધાર્યા, કર્મચારીઓના પગારમાં પણ ગરબડ - 1.55 કરોડની ગેરરીતિ બદલ ગુનો દાખલ
  • 15 વર્ષથી એક જ પરિવારનું શાસન અને કરોડોની મિલકતો - આખરે પાપનો ઘડો ફૂટ્યો, ACBએ નોંધી ફરિયાદ
  • તલાટી સાથે મળીને સરકારી નાણાં અંગત મોજશોખમાં વાપર્યા - 3 વર્ષના હિસાબોમાં મસમોટું કૌભાંડ પર્દાફાશ

અમદાવાદના દસક્રોઈ તાલુકાનું ધામતવાણ ગામ અત્યારે કરોડોના ભ્રષ્ટાચારને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભાજપના કાર્યકર સંજય પારેખના પત્ની અને પૂર્વ મહિલા સરપંચ રેખાબેન પારેખ તેમજ પૂર્વ તલાટી કમ મંત્રી હરપાલસિંહ વાઘેલાએ મળીને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ₹1.55 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વગર ઠરાવે લાખોના ખર્ચા અને બેરર ચેકનો ખેલ જિલ્લા વિકાસ અધિકારીની તપાસમાં જે વિગતો બહાર આવી છે તે સ્તબ્ધ કરી દે તેવી છે. પૂર્વ સરપંચ અને તલાટીએ મળીને માટી પુરાણ, પાણી પુરવઠો અને ઉત્સવોના નામે લાખો રૂપિયા ખર્ચ્યા હોવાનું ચોપડે બતાવ્યું હતું, પરંતુ આ કામો માટે કોઈ પણ પ્રકારની વહીવટી મંજૂરી કે ઠરાવ કરવામાં આવ્યા નહોતા. સૌથી મોટો ગોટાળો કર્મચારીઓના પગારમાં જોવા મળ્યો હતો. નિયમ મુજબ પગાર બેંક ખાતામાં જમા કરવાને બદલે, ગામના VCE (ગ્રામ કોમ્પ્યુટર સાહસિક) ના નામે બેરર ચેક લખીને રોકડ ઉપાડી લેવામાં આવતી હતી.

સત્તાનો દુરુપયોગ અને અંગત ઉપયોગ ACB ની ફરિયાદ મુજબ, આ બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. સરકારી તિજોરીના ₹1.55 કરોડ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. આ ભંડોળમાંથી અપ્રમાણસર સંપત્તિ પણ ઊભી કરવામાં આવી હોવાની આશંકા છે. અગાઉ ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી દૂર પણ કરવામાં આવ્યા હતા.

સાંસદ અને ધારાસભ્ય વચ્ચેના 'લેટર વોર' નો અંત આ કૌભાંડનો પાયો આઠ મહિના પહેલા નખાયો હતો જ્યારે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 15 વર્ષથી એક જ પરિવાર સરપંચ પદ ભોગવે છે અને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. આ મુદ્દે અમદાવાદ પૂર્વના પૂર્વ સાંસદ હસમુખ પટેલે વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી હતી. જોકે, ધારાસભ્યએ આવો પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. આ રાજકીય ખેંચતાણ વચ્ચે આખરે ACB ની તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થયો છે.

ગામલોકોનો આક્ષેપ છે કે જો કોઈ અવાજ ઉઠાવે તો તેમને ધાકધમકી આપવામાં આવતી હતી. હવે જ્યારે ACB એ સત્તાવાર રીતે ગુનો નોંધી દીધો છે, ત્યારે ધામતવાણ ગામમાં 'સરપંચ રાજ' નો અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં આરોપીઓની ધરપકડ અને સંપત્તિની જપ્તીની કાર્યવાહી થઈ શકે છે.