રાજુલામાં 22 કરોડના ખર્ચે `મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર'નું લોકાર્પણ
=> 108 બેડની આધુનિક હોસ્પિટલમાં તમામ પ્રકારની તબીબી સારવાર તદ્દન ફ્રી
=> મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂજ્ય મોરારીબાપુના હસ્તે રિબન કાપી ખુલ્લી મુકાઈ
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા : રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા સ્થાપિત અને વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત 'મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર' હોસ્પિટલનું રાજુલા ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલિકોપ્ટર મારફતે ખાસ છતડીયા ગામેથી રાજુલા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી તેમજ વિશ્વ વિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના વરદહસ્તે રીબીન કાપીને આ 108 બેડની નૂતન હોસ્પિટલને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે.
રાજુલા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે હેતુથી, દાતાઓના ઉદાર સહયોગથી આશરે 22 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવતા દર્દીઓએ સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચવો પડશે નહીં. ઓપીડી, ડાયાલિસિસ, લેબોરેટરી, ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક અને બાળરોગ સહિતની તમામ નિદાન અને સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનાલયની વ્યવસ્થા પણ છે.
લોકાર્પણ બાદ પૂજ્ય મોરારીબાપુએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સુવિધાઓ નિહાળી હતી અને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ ભવ્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંબરીષ ડેરે પ્રવચન આપી સ્વાગત કર્યું હતું. હોસ્પિટલના નિર્માણમાં આર્થિક આહુતિ આપનાર તમામ દાતાઓ અને ટ્રસ્ટીઓનું સ્ટેજ પરથી વિશેષ બહુમાન કરાયું હતું. આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા, જગન્નાથ મંદિરના દિલિપદાસ બાપુ, જીગ્નેશદાદા, ભક્તિરામ બાપુ, વલકુબાપુ, હીરા સોલંકી, સાંસદ ભરત સુતરીયા, માયા આહીર અને સાંઈરામ દવે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ઇંધણ બચાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલની સીધી અસર રાજુલાના આ કાર્યક્રમમાં જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ માત્ર 2 કાર સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પત્રકારોના પ્રશ્નનો સ્મિત સાથે ઉત્તર આપતા કથાકાર પૂજ્ય મોરારીબાપુએ પણ મર્મભર્યા શબ્દોમાં કહ્યું હતું કે, "PM એ પેટ્રોલ ડીઝલ બચાવવા અપીલ કરી છે તેથી સીએમ પણ આજે કાફલો દૂર કરીને માત્ર બે ગાડીમાં આવ્યા છે, પણ હું તો એક જ ગાડીમાં આવ્યો છું."