બેંગકોકથી મુંબઈ આવતી એર ઈન્ડિયા ફ્લાઇટ પરત ફરી!
-
મુસાફરના વિચિત્ર વર્તન અને હોબાળાને કારણે લીધો નિર્ણય!
-
રાત્રે 10:40 વાગ્યે વિમાન સુરક્ષિત રીતે બેંગકોક ઉતર્યું!
-
મેડિકલ ટીમે હોબાળો કરનાર મુસાફરને કસ્ટડીમાં લીધો!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2338 માં એક મુસાફર દ્વારા કરવામાં આવેલા ભારે હોબાળા અને વિચિત્ર વર્તનને કારણે વિમાનને અધવચ્ચેથી જ બેંગકોક પરત ફાસ્વવું પડ્યું હતું. આ ઘટનાએ ઉડ્ડયન સુરક્ષા અને મુસાફરોના વ્યવહાર અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, આ વિમાને બુધવારે રાત્રે 8:20 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડ્ડયન દરમિયાન જ વિમાનમાં સવાર એક ભારતીય મુસાફર અચાનક વિચિત્ર રીતે વર્તવા લાગ્યો અને હોબાળો મચાવવા લાગ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતા અને અન્ય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે ત્વરિત નિર્ણય લેતા વિમાનને બેંગકોક પરત લઈ જવાની જાહેરાત કરી હતી. પરિણામે, વિમાન રાત્રે 10:40 વાગ્યે ફરીથી બેંગકોક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
વિમાન જમીન પર ઉતરતાની સાથે જ એરપોર્ટ પર તૈયાર રહેલી મેડિકલ ટીમ તાત્કાલિક ફ્લાઇટમાં પહોંચી હતી અને હોબાળો મચાવનાર મુસાફરને પોતાની સાથે ઉતારીને લઈ ગઈ હતી. જો કે, આ મુસાફરે આ પ્રકારનું વર્તન શા માટે કર્યું અને તેની તબિયત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગત બહાર આવી નથી.
આ અણધારી ઘટનાના કારણે લગભગ 45 મિનિટ વિલંબ થયા બાદ આ ફ્લાઇટે ફરીથી બેંગકોકથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. નિયમો મુજબ, જો કોઈ મુસાફર ક્રૂના નિર્દેશોનું પાલન ન કરે કે સુરક્ષામાં અડચણ ઊભી કરે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે.
આકાશમાં શિસ્ત અને મુસાફરોની જવાબદારી: સુરક્ષા સાથે કોઈ સમજો નહીં
આંતરરાષ્ટ્રીય ઉડાનો દરમિયાન વિમાનની અંદર શિસ્ત જાળવવી એ દરેક મુસાફરની પ્રાથમિક નૈતિક અને કાનૂની ફરજ છે. એક વ્યક્તિની અસંયમિત કે વિચિત્ર હરકત સમગ્ર ફ્લાઇટના સેંકડો મુસાફરોની સફર બગાડી શકે છે અને આર્થિક નુકસાન પણ સર્જી શકે છે. એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આવા અસહકારી કે ઉપદ્રવી મુસાફરો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી અનિવાર્ય છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.