Loading Please Wait !!!
પરકલા પ્રભાકર મોદી સરકાર સામે મોરચો માંડશે! નિર્મલા સીતારામનના પતિ પ્રભાકર કરશે દેશવ્યાપી વિરોધ!

  • 23 ઑક્ટોબરે પ્રકાશ રાજ અને અભિજિત દીપકે સાથે મંચ!

  • SIR પ્રક્રિયા રદ કરવાની અને રાજીનામાની માંગ!

  • 'હર ગલી મેં જંતર-મંતર' નારા સાથે જન માર્ચ!

 સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા રાજકીય અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર વધુ એકવાર મોદી સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરવા જઈ રહ્યા છે. આગામી 23 ઑક્ટોબરના રોજ તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજિત દીપકે અને લોકપ્રિય અભિનેતા-કાર્યકર્તા પ્રકાશ રાજ સાથે એક જ મંચ પર જોવા મળશે.

આ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન 'પીપલ અગેઇન્સ્ટ SIR' ગઠબંધન દ્વારા SIR પ્રક્રિયાના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સામેલ થઈને નેતાઓ SIR પ્રક્રિયા સંપૂર્ણપણે રદ કરવાની તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની જોરદાર માંગ કરશે.

સરકારની નીતિઓના કટ્ટર ટીકાકાર પરકલા પ્રભાકરે 'હર ગલી મેં જંતર-મંતર' ના નારા સાથે સોશિયલ મીડિયા પર નાગરિકોને આ જન માર્ચમાં જોડાવા માટે ખુલ્લું આહ્વાન કર્યું છે. અગાઉ 8 ઑક્ટોબરે બેંગલુરુમાં પણ તેમણે ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ સાથે મળીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

આ ગઠબંધન દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે SIR પ્રક્રિયાના કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં યોગ્ય અને ખાસ કરીને વંચિત તથા નબળા વર્ગના નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકશાહીના મૂળભૂત અધિકારો જોખમમાં મુકાયા છે.

પરકલા પ્રભાકર અગાઉ પણ 'ધ ક્રૂક્ડ ટિમ્બર ઓફ ન્યૂ ઇન્ડિયા' પુસ્તક દ્વારા સરકારી નીતિઓની આકરી ટીકા કરી ચૂક્યા છે. હવે તેમના અને અન્ય જાણીતી હસ્તીઓના આંદોલનમાં જોડાવાથી આ વિરોધ પ્રદર્શન રાષ્ટ્રીય સ્તરે વધુ વેગ પકડે તેવી પૂરી શક્યતા છે.

વિચારધારાઓનો ભેદ અને લોકશાહીમાં અસંમતિનો અધિકાર

લોકશાહીની સૌથી મોટી સુંદરતા એ છે કે તેમાં વિચારોની ભિન્નતાને હંમેશાં સ્થાન મળે છે. જ્યારે દેશના નાણામંત્રીના પોતાના પતિ જ સરકારની આર્થિક કે પ્રશાસનિક નીતિઓ સામે ખુલ્લેઆમ વિરોધ નોંધાવતા હોય, ત્યારે તે દર્શાવે છે કે વ્યક્તિગત સંબંધો અને વૈચારિક મતભેદો અલગ હોઈ શકે છે. પરકલા પ્રભાકરનું આંદોલન માત્ર એક રાજકીય વિરોધ નથી, પરંતુ તે નીતિગત બાબતો પર સવાલ ઉઠાવવાના લોકતાંત્રિક અધિકારનું પ્રતીક છે.