Loading Please Wait !!!
સરકારી બેન્કો દિવાળી પહેલા યુવાનો માટે લાવશે પ્રોજેક્ટ્સ!

 

  • બચત, રોકાણ અને લોન સુવિધાઓ સાથે નવી પહેલ!

  • નાણામંત્રી નિર્મલા સીતારામનના નિર્દેશ બાદ વિશેષ આયોજન!

  • નવેમ્બરના અંત સુધીમાં સંયુક્ત પોર્ટલ શરૂ થવાની સંભાવના!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

સરકારી બેન્કો દ્વારા આગામી દિવાળીના તહેવાર પહેલાં દેશના યુવાનોને ધ્યાનમાં રાખીને નવા-નવા પ્રોજેક્ટ્સ અને આકર્ષક સુવિધાઓ લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યોજનાઓમાં બચત, રોકાણ, વીમો અને લોન જેવી નાણાકીય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.

નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આ પહેલ શરૂ કરાઈ છે, જેમાં બેન્કોને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડાનારા યુવા વર્ગ સાથે વધુ સારો તાલમેલ કેળવવાની સલાહ આપવામાં આવી હતી. આ અંતર્ગત એક સંયુક્ત પોર્ટલ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસ્તાવિત પોર્ટલ પર યુવાનોને બેન્કિંગ સેવાઓ અંગેની જાણકારી સરળતાથી મળી રહે તે માટે વિવિધ ઇન્ટરેક્ટિવ ફીચર્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, મફત ડીમેટ એકાઉન્ટ ખોલવાની સુવિધા અને નાણાકીય આયોજન માટે ફાઇનાન્શિયલ કાઉન્સેલિંગ આપવા પર પણ ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.

બેન્ક અધિકારીઓના જણાવ્યા મુજબ, યુવાનોને બેન્કિંગ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ખાતું ખોલાવતી વખતે ચાર્જ માફ કરવા અને અન્ય પ્રોત્સાહનો આપવા અંગે પણ ચર્ચા થઈ રહી છે. પોર્ટલ પર ગ્રાહકો સરળતાથી નજીકની શાખાઓ અને એટીએમ શોધી શકે તે માટે લોકેશનની જાણકારી પણ શેર કરવામાં આવી છે.

અગાઉ ઓગસ્ટ માસમાં યોજાયેલા સરકારી બેન્કોના રણનીતિ સંમેલનમાં નાણામંત્રીએ યુવા ગ્રાહકોને આકર્ષવા માટે બેન્કોની ક્ષેત્રીય હાજરીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો, જે હવે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

યુવા વર્ગ અને બેન્કિંગ સેક્ટર: નાણાકીય સમાવેશકતા તરફ વધુ એક કડલું

દેશના યુવાનોને નાણાકીય રીતે સક્ષમ બનાવવા અને તેમને ઔપચારિક બેન્કિંગ પ્રણાલી સાથે જોડવા માટે સરકારી બેન્કો દ્વારા લેવાયેલું આ પગલું અત્યંત પ્રશંસનીય છે. જ્યારે ડિજિટલ યુગમાં યુવાપેઢી ઝડપથી રોકાણ અને બચત તરફ આકર્ષાઈ રહી છે, ત્યારે બેન્કો દ્વારા મફત ડીમેટ સેવાઓ, સરળ પોર્ટલ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવાથી તેઓ ભવિષ્ય માટે સચોટ નાણાકીય નિર્ણયો લઈ શકશે.