ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું મેગા મંથન
- 6 થી 10 મે સુધી તમામ નિકાયોમાં સમીક્ષા બેઠક યોજાશે
- પદાધિકારીઓ-કાર્યકરોના સૂચનો મુજબ આગામી રણનીતિ તૈયાર થશે
- ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં
સિટી ન્યૂઝ@રાજકોટ: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે સમગ્ર ગુજરાતમાં મેગા સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. AAP ના પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, 6 મેથી 10 મે સુધી રાજ્યભરમાં આ મંથન ચાલશે, જેમાં હાર-જીતના કારણોની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં આ સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ કક્ષાના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને જમીની સ્તરના કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. દરેક વિસ્તારના ચૂંટણી પરિણામોનું બારીકાઈથી પોસ્ટમોર્ટમ કરી આગામી સમય માટેનું માળખું તૈયાર કરવામાં આવશે.
પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, આ બેઠકોમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક પદાધિકારીઓ પાસેથી ખુલ્લા મને સૂચનો લેવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, સ્થાનિક ચૂંટણી દરમિયાન જો કોઈ પણ કાર્યકર્તા કે પદાધિકારીએ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનું જણાશે કે ફરિયાદો મળશે, તો તે અંગે પણ ગંભીર ચર્ચા કરી તેમની સામે કડક નિર્ણયો લેવામાં આવશે. કોઈની પણ ગેરશિસ્ત સાંખી લેવામાં આવશે નહીં.
સમીક્ષાના અંતે ઘડાશે આગામી આક્રમક રણનીતિ
5 દિવસ ચાલનારી આ મેગા સમીક્ષા બેઠકોમાં સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ અને સૂચનોને આધારે પાર્ટી આગામી સમયમાં પગલાં લેશે. આ તમામ બેઠકો પૂર્ણ થયા બાદ, મળેલા ફીડબેકના આધારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી રાજકીય લડાઈઓ માટે એક નવી અને આક્રમક રણનીતિ તૈયાર કરવામાં આવશે.