Loading Please Wait !!!
સિક્કીમમાં નિર્માણાધીન સુરંગમાં ભૂસ્ખલન અને મિથેન ગેસ લીક થતા 8 મજૂરોના મોત

  • ફસાયેલા 19 મજૂરોને બહાર કાઢવાની કવાયત ચાલુ, ગેસ લીકેજથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી
  • તીસ્તા સ્ટેજ-6 જલવિદ્યુત પરિયોજનામાં બની ગોઝારી ઘટના, NDRF અને SDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
  • પ્રશાસન દ્વારા બચાવ અભિયાન તેજ કરાયું, મિથેન ગેસની વધુ માત્રાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક

સિટી ન્યુઝ @ ગંગટોક

સિક્કીમના દક્ષિણ જિલ્લામાં આવેલી નિર્માણાધીન સમારડુંગ સુરંગમાં ભૂસ્ખલન અને ત્યારબાદ મિથેન ગેસ લીક થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં 8 મજૂરોના મોત નીપજ્યાં છે, જ્યારે હજુ પણ 19 જેટલા લોકો સુરંગની અંદર ફસાયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સુરંગની અંદર મિથેન ગેસનું પ્રમાણ વધુ હોવાને કારણે બચાવકર્મીઓ માટે અંદર પ્રવેશવું અત્યંત મુશ્કેલ અને પડકારજનક બન્યું છે.

આ પ્રોજેક્ટ તીસ્તા સ્ટેજ-6 જલવિદ્યુત પરિયોજના અંતર્ગત પટેલ એન્જિનિયરીંગ દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના મૃતદેહોને ગંગટોકની સિંગતમ જિલ્લા હોસ્પિટલ અને નમચી જિલ્લા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. સુરંગમાં ફસાયેલા અન્ય લોકોને સુરક્ષિત બહાર લાવવા માટે એસડીઆરએફ (SDRF), એનડીઆરએફ (NDRF), સિક્કીમ પોલીસ, ફાયર બ્રિગેડ, સ્વાસ્થ્ય વિભાગ અને અન્ય ઈમરજન્સી સેવાઓ સંયુક્ત રીતે બચાવ અભિયાન ચલાવી રહી છે.

નમચી જિલ્લા કલેક્ટર અનુપા તામલિંગના જણાવ્યા અનુસાર, સમારડુંગ સુરંગમાં અંદાજે 27 કર્મચારીઓ ફસાયા હોવાની સંભાવના છે, પરંતુ સુરંગની અંદરની વાસ્તવિક સ્થિતિ અને ચોક્કસ સંખ્યા અંગે હજુ પૂરી માહિતી મળી શકી નથી. પ્રશાસનને હજુ ભૂસ્ખલનનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ એનડીઆરએફની ટીમ અંદર પ્રવેશીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.